સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 21st July 2018

વિરપુરમાં પૂ.જલારામબાપાના મંદિર તરફ જતો રસ્તો બિસ્માર હાલતમાં

વિજયભાઈ રૂપાણી અને જયેશભાઈ રાદડીયા આ પ્રશ્ને તાકીદે યોગ્ય કરે તેવી લોકમાંગ

રાજકોટ, તા.૨૧ : સુપ્રસિધ્ધ  યાત્રાધામ વિરપુર (જલારામ)માં પૂ.જલારામબાપાના મંદિર તરફનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી ભારે મુશ્કેલી સર્જાઇ રહી છે.

સુપ્રસિધ્ધ યાત્રાધામ વિરપુરમાં માત્ર ગુજરાત કે ભારતમાંથી નહી પરંતુ દેશ વિદેશથી અનેક યાત્રાળુ પૂ.બાપાના દર્શનાર્થે વિરપુર આવતા હોય ત્યારે શ્રી માનકેશ્વર મહાદેવના મંદિર આસપાસ પોતાનુ વાહન પાર્ક કરી ઐતિહાસિક શ્રી મીનળદેવ વાવ પાસેથી પગપાળા પૂ.બાપાના મંદિરે જવાનુ હોય, એ જ રસ્તો અસંખ્ય ખાડા ટેકરા, કાદવ કિચડના કારણે ગંદકીથી ભરેલ છે.

ત્યારે તે રસ્તે યાત્રીકોને ચાલવામાં ખૂબ જ તકલીફ પડે છે તો વિરપુરના આ હાર્દસમા આ રસ્તાને તેમજ શ્રી મીનળદેવી વાવ ચોકને વ્યવસ્થિત સુધારણા કરી આ રસ્તા તેમજ ચોકને પેવર બ્લોકથી મઢી દેવામાં આવે તો યાત્રાધામને અને પુરાતન મીનળદેવી વાવને પણ ગૌરવ મળશે તેમજ બહારગામથી આવતા યાત્રાળુઓની સુવિધામાં પણ વધારો થશે. તો આ અંગે યોગ્ય ઘટતુ કરશો તેવી અમારી ગ્રામજનોની તેમજ બહારગામથી આવતા યાત્રીકોની લાગણીને માંગણી છે.

આ અંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને રાજયમંત્રી જયેશભાઈ રાદડીયા તાકીદે યોગ્ય કરે તેવી માંગણી થઈ છે.

(12:50 pm IST)