સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 21st June 2019

મોરબીમાંથી ગંદકી દૂર કરો : પાલીકાને સરકારની નોટીસ

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ જાહેરમાં ગંદકી ઠાલવાવની સંસ્થા દૂર કરવા પાલીકાના તંત્રને તાકીદ કરી

મોરબી, તા. ર૧:  મોરબી નગરપાલિકાનું તંત્ર નાગરિકોને ગંદકી કરતા રોકી શકતું નથી આટલું ઓછુ હોય તેમ પાલિકા જાહેરમાં કચરો ઠાલવતી હોય તેવી આમ આદમી પાર્ટીની ઉગ્ર રજૂઆત બાદ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સફાળું જાગ્યું છે અને સ્થળ વિઝીટ કરીને પાલિકા કચેરીને કચરો જાહેરમાં ઠાલવવા બાબતે તાકીદ કરી છે અને કડક શબ્દોમાં સુચના આપવામા આવી છે

 

મોરબી નગરપાલિકા તંત્રના પાપે શહેરના અનેક માર્ગો પર જાહેર ઉકરડા અને ગંદકીનું સામ્રાજય ફેલાયું હોય અને ગંદકીની સમસ્યા અંગે આમ આદમી પાર્ટી મોરબી દ્વારા અગાઉ પાલિકા તંત્રને કરેલી રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ના કરાતા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને રજૂઆત કરીને પગલા ભરવા માંગ કરાઈ હતી જેને પગલે જીપીસીબીના અધિકારીઓએ સ્થળની વિઝીટ કરી હતી અને પાલિકા તંત્ર દ્વારા ફેલાતી ગંદકીનીગંભીર નોંધ લીધી હતી અને પાલિકા તંત્રને ગંદકી મામલે કડક સૂચનાઓ આપીને ગંદકી મામલે તુરંત કાર્યવાહી કરવા તાકીદ કરવામાં આવી છે જોકે મોરબીનું પાલિકા તંત્ર નીમ્ભર હોવાનું વિશેષણ ધરાવે છે ત્યારે જીપીસીબીની સુચનાને ગણકારે છે કે પછી પોતાનું નીમ્ભર વલણ જાળવી રાખશે તે જોવું રહ્યું. 

મોરબી ર૪ કલાક લાઇટો ચાલુ તંત્રની બેદરકારી

મોરબી નગરપાલિકા વિસ્તારમાં વીજળીનું બીલ બચાવવા એલઈડી લાઈટો નાખવાનો પ્રોજેકટ અમલી બનાવાયો હતો જોકે તંત્રની બેદરકારીને પગલે લાઈટો ૨૪ કલાક ચાલુ રહેતી હોય જેથી વીજળીની બચતને બદલે વ્યય થતો જોવા મળી રહ્યો છે અને વીજળીનો વ્યય રોકવા માટે જાગૃત નાગરિકોએ કરેલી રજૂઆત બાદ પણ તંત્ર કુંભકર્ણ નિંદ્રામાંથી જાગ્યું નથી

મોરબીના રોટરીનગર વિસ્તારના રહેવાસી પ્રહલાદસિંહ ખોડુભા ઝાલા નામના જાગૃત નાગરિકે માર્ચ મહિનામાં નિવાસી અધિક કલેકટરને રજૂઆત કરી જણાવ્યું હતું કે મોરબી શહેરની સ્ટ્રીટ લાઈટ દિવસ દરમિયાન ચાલુ રહે છે તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ રૂમમાં કોલ્ડ સ્ટોરેજ બંધ હોવા અંગે રજૂઆત કરી હતી જાગૃત નાગરિક દ્વારા પાલિકાના ચીફ ઓફિસર, જીલ્લા કલેકટર ઉપરાંત ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરેલ છે પરંતુ મોરબીમાં ૨૪ કલાક ચાલુ રહેલી લાઈટો અધિકારીઓ કે પદાધિકારીઓને દેખાતી ના હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે અને ૨૪ કલાક લાઈટો ચાલુ રહેવાથી વીજળીનો વ્યય થાય છે તે જોઇને જાગૃત નાગરિકો દુખની લાગણી અનુભવી રહ્યા છે ત્યારે પાલિકા તંત્રને કયારે શરમ આવશે અને વીજળીનો વ્યય રોકશે તેવા સવાલો પણ ઉઠી રહયા છે.

(1:39 pm IST)