સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 21st June 2019

મોરબીમાં અધિક કલેકટરની સુઝબુઝથી સરકારની કિંમતી જમીન હડપ કરવાનું કૌભાંડ

રવાપરની સરકારી જમીન અંગેના રેકર્ડ અને હુકમમાં તફવાત જોવા મળ્યો અને ભોપાળુ છતુ થયુ : પોલીસ ફરીયાદ

મોરબી, તા. ર૧: મોરબીના પોશ વિસ્તાર એવા રવાપર ગામની કીમતી સરકારી જમીન હડપ કરવાનો કારસો રચવામાં આવ્યો હતો જે મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે ત્યારે સમગ્ર બનાવ અધિકારીની સુઝબુઝ અને જાગૃતતાથી બહાર આવ્યો હોવાનો ખુલાસો થવા પામ્યો છેઙ્ગ

મોરબીના રવાપર ગામની સર્વે નં ૫૬ અને ૫૮ ની સરકારી જમીન બોગસ હુકમોને આધારે પચાવી પાડવાનો કારસો રચાયો હોય જે મામલે મોરબીના નાયબ મામલતદાર ઉમરભાઈ અહમદભાઈ સુમરાએ બી ડીવીઝન પોલીસમાં આરોપી કમલેશ રામજીભાઈ બોપલીયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે જે ફરિયાદને પગલે સમગ્ર બનાવની બી ડીવીઝન પીઆઈ આઈ એમ કોઢિયા તપાસ ચલાવી રહ્યા છે ત્યારે સરકારી જમીન પચાવી પાડવાના કારસા અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ સરકારી જમીન પચાવી પાડવા માટે ખોટા હુકમો અને અધિકારીની સહી તેમજ સિક્કાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમાં ખરી નકલ કરાવવા માટે ગયેલી અરજીમાં અધિકારીની સહી અંગે અધિક કલેકટરને શંકા જતા તેને આ મામલે રેકર્ડમાં તપાસ કરી હતી અને રેકર્ડ તેમજ હુકમમાં તફાવત જોવા મળતા અધિકારી સમગ્ર મામલો પામી ગયા હતા અને રવાપર ગામની કીમતી સરકારી જમીન પચાવી પાડવાના ષડ્યંત્રનો પર્દાફાશ થયો છે ત્યારે હવે પોલીસ આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી છે.

(1:38 pm IST)