સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 21st June 2019

જાળીલાના ઉપસરપંચની હત્યા પ્રકરણમાં સરકારે માંગણીઓ સ્વીકારીઃ અંતિમવિધિ

મનજીભાઈ જેઠાભાઈ સોલંકીની હત્યા પ્રકરણમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ૬ મુદ્દાઓની માંગણી સ્વીકારી લેવાય

આરોપીઓ કા ઝુલુસ નિકાલો-ફાંસી દો...ની માંગ સાથે બોટાદના જાળીલા ગામના ઉપસરપંચ મનજીભાઈ સોલંકીની અંતિમવિધિ

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામના ઉપસરપંચ મનજીભાઈ જેઠાભાઈ સોલંકીની હત્યા બાદ રાજ્ય સરકાર દ્વારા પરિવારજનોની તમામ માંગણીઓ સ્વીકારી લેવામાં આવતા આજે સવારે તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. તેમની સ્મશાનયાત્રામાં આરોપીઓ કા ઝુલુસ નિકાલો-ફાંસી દો...ના બેનર સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. તસ્વીરમાં અંતિમવિધિ તથા મૃતક ઉપસરપંચ મનજીભાઈ જેઠાભાઈ સોલંકીનો ફાઈલ ફોટો તથા છેલ્લી તસ્વીરમાં આ પ્રકરણમાં ઝડપાયેલા આરોપીઓ નજરે પડે છે.

બોટાદ, તા. ૨૧ :. બોટાદ જિલ્લાના જાળીલા ગામના ઉપસરપંચ મનજીભાઈ જેઠાભાઈ સોલંકીની હત્યા બાદ મામલો ગરમાયો હતો અને ઉપસરપંચની હત્યા કરનાર આરોપીઓને ઝડપીને સજા કરવા માંગ કરવામાં આવી હતી અને માંગણી ન સ્વીકારાઈ ત્યાં સુધી મૃતદેહની અંતિમવિધિ કરવામાં નહી આવે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ત્યાર બાદ તંત્ર દોડતુ થયુ હતુ અને આજે બે દિવસ પછી તમામ માંગણીઓ સ્વીકારી લેવામાં આવતા ઉપસરપંચ મનજીભાઈની અંતિમવિધિ કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ બે દિવસ પહેલા બોટાદ જિલ્લાના જાળીલા ગામના ઉપસરપંચ મનજીભાઈ જેઠાભાઈ સોલંકીની હત્યા કરવામાં આવી હતી ત્યાર બાદ પોલીસે જુદી જુદી ટીમો બનાવીને અલગ અલગ સ્થળોએથી આરોપીઓને ઝડપી લેવામા આવ્યા હતા. જો કે આ હત્યા પ્રકરણમાં તમામ આરોપીઓ ન ઝડપાઈ ત્યાં સુધી મૃતદેહની અંતિમવિધિ કરવામાં નહિ આવે તેવી ચીમકી સાથે ધરણા શરૂ કરવામાં આવ્યા હતા.

આ પ્રકરણમાં રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના અગ્રસચિવ આઈ.એ.એસ. મનોજ અગ્રવાલની અધ્યક્ષતામાં મીટીંગ મળી હતી. જેમાં તુખાર એન. સોલંકી અને દિપકભાઈ જેઠાભાઈ સોલંકી દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને જે માંગણીઓ અંગે રજુઆત કરવામાં આવી હતી તે અંગે ચર્ચા વિચારણા બાદ તમામ માંગણીઓ સ્વીકારી લેવામાં આવી છે.

જેમાં આરોપીઓની તાત્કાલીક ધરપકડ કરવામાં આવે, મનજીભાઈ સોલંકી દ્વારા કરવામાં આવેલ એટ્રોસીટી એકટની ફરીયાદો તથા તેઓની ઉપર થયેલા હુમલાના તમામ કેસ બોટાદ જિલ્લા બહાર અમદાવાદ જિલ્લામાં ટ્રાન્સફર કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન કરવામાં આવશે. આ ખૂન કેસ ચલાવવા માટે મનજીભાઈના પરિવાર દ્વારા સ્પેશ્યલ પી.પી.ની નિમણૂક માટે ૩ વકીલની પેનલમાં નામ આપવાના રહેશે.

આ ઉપરાંત મનજીભાઈના પરિવારના નિવાસ સ્થાને તથા વ્યકિતગત હથીયારધારી પોલીસનું રક્ષણ આપવામાં આવશે તથા તેઓના પુત્ર અને ભાઈને હથીયાર પરવાનો આપવામાં આવશે. પોલીસ રક્ષણ માંગવા છતા ફરજમાં બેદરકારી દાખવનાર પોલીસ અધિકારી અથવા કર્મચારી સામે ઈન્કવાયરી કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં જે સ્થળોએ અનુસૂચિત જાતિ સમુદાય દ્વારા રક્ષણની માંગણી કરવામાં આવેલ હોય ત્યાં ભય મૂલ્યાંકન ધ્યાને લઈને તાત્કાલીક રક્ષણ આપવંુ.

આ તમામ માંગણીઓ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા અમુક માંગણીઓનો તાત્કાલીક સ્વીકાર કરી લેવામાં આવ્યો છે તો બે ત્રણ માંગણીઓનો આગામી દિવસોમાં ઉકેલ આપવા ખાત્રી આપી છે.

(1:24 pm IST)