સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 21st June 2019

જોડીયામાં પૂ. ભોલેબાબાજીની પુણ્યતિથિની ઉજવણી

ભંડારો, સંતવાણી, સુંદરકાંડ પાઠ, ધ્વજાવીધી સહિતના કાર્યક્રમોમાં ભાવિકો ઉમટયા

તસ્વીરમાં પૂ. ભોલેબાબાજીની પુણ્યતિથિ નિમિત્તે આયોજીત કાર્યક્રમની ઝલક. (તસ્વીર-અહેવાલઃ હિતેષ રાચ્છ-વાંકાનેર, રમેશ ટાંક-જોડીયા)

વાંકાનેર-જોડીયા, તા. ર૦ : જામનગર જિલ્લાના જોડીયાધામમાં આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ શ્રી ઉદાસીન સંત કુટીર 'રામવાડી' આશ્રમમાં ઉદાસીન આચાર્યદેવ ૧૧૦૮ જગતગુરૂ શ્રી ચન્દ્ર ભગવાન એવમ્ શ્રી જયોતિસ્વરૂપ બાલા હનુમાનજી મહારાજ દાદા તેમજ પૂ. પાદ ૧૦૦૮ સદ્ુરૂદેવ શ્રી ભોલેબાબાજીની અસીમ કૃપાથી આ વર્ષ પણ પૂ. સદ્ગુરૂ દેવશ્રી ભોલેબાબાજીની (૩૩મી) પુણ્યતિથિ મહોત્સવ ઉજવાયો હતો.

આ પ્રસંગે શ્રી બાલા હનુમાનજી દાદાના સન્મુખ સંગીતમય, સુંદરકાંડના પાઠ, ધુન-સંકિર્તન-દીપ માળાની મહાઆરતી-ધ્વજાવીધી તેમજ રાત્રીના સંતવાણી-ભજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયેલ જેમાં વિપુલભાઇ પટેલ બેબીમીતલ (ભજન સમ્રાટ), મનસુખભાઇ વસોયા સહિતના સાથીદારોએ રાત્રીભર રંગત જમાવી હતી.

દીપ પ્રાગટીય વીધી પૂ. મહંત શ્રી હરિદાસજી બાપૂ તેમજ સેવક શ્રી શનીભાઇ વડેરા, શ્રી દિનેશભાઇ પેઢડીયા, ડાયાભાઇ પટેલ વગેરેએ કરેલ હતી.

પૂ. બાબાજીના મંદિરના બપોરના ૧ર કલાકે ઢોલ-નગરા અને શરણાઇના સુરો વચ્ચે પૂ. બાબાજીની મહાઆરતી સેવક શનિભાઇ વડેરાએ ઉતારેલ હતી. આરતીના દર્શનનો સંતો મહંતો-ભકતજનોએ બહોળી સંખ્યામાં લાભ લીધેલ હતો ત્યારબાદ પૂ. બાબાજીનો દિવ્ય ભંડારો (મહાપ્રસાદ) યોજાયેલ તેમજ સાંજના પ-૦૦ વાગ્યાથી જોડીયા ગામ ધુવાણાબંધ જમણવાર યોજાયેલ હતો. આ દિવ્ય પાવન પુણ્યશાળી અવસરે વિશાળ સંખ્યામાં સાધુ-સંતો પધાર્યા હતા અને પૂ. બાબાજીનો ભંડારાનો મહાપ્રસાદ લીધેલ હતો.

સાધુ-સંતોની દેખરેખ પૂ. મહંતશ્રી હરિદાસજીબાપૂએ રાખેલ હતી. સફળ બનાવવા રામવાડી ગ્રુપના દરેક યુવાનોએ જહેમત ઉઠાવી હતી.

આ પ્રસંગે વિશાળ સેવક સમુદાય પધારેલ હતા. સમગ્ર રામવાડીને અનેરા લાઇટ-ડેકોરેશન પુષ્પહારોથી શુસોભીત  કરેલ હતું. પૂ. બાબાજીની પુણ્યતિથિ મહોત્સવમાં રામવાડીમાં અનોખુ ધાર્મિક માહોલ સર્જાયેલ હતું. ભજન-ભોજન અને સંત દર્શન-સત્સંગનો લ્હાવો ભાવિકોને મળેલ હતો.

(11:54 am IST)