સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 21st June 2019

વાંકાનેરમાં ત્રાંસી આંખ અને બાળકોની આંખના રોગ માટે નિઃશુલ્ક કેમ્પ

વાંકાનેર દેવદયા ટ્રસ્ટ સંચાલિત એન.આર.દોશી આઈ હોસ્પિટલ ખાતે : તા.૨૮ અને ૨૯ (શુક્ર અને શનિ) આયોજનઃનિદાન, સારવાર, દવા, ઓપરેશન, રહેવા- જમવાનું વિનામૂલ્યે

રાજકોટ,તા.૨૧: દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એન.આર.દોશી આંખની હોસ્પિટલ, નવા બસસ્ટેશન પાસે, રાજકોટ રોડ, વાંકાનેર ખાતે આગામી તા.૨૮ અને ૨૯ (શુક્ર- શનિ) બે દિવસ બાળકોની આંખના રોગ માટે વિનામૂલ્યે કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આંખના રોગોનું વિનામૂલ્યે નિદાન, સારવાર તથા ઓપરેશન કરવામાં આવશે. દવા પણ વિનામૂલ્યે આપવામાં આવશે.

આ કેમ્પમાં નાગપુરથી બાળકોની આંખના અનુભવી અને નિષ્ણાંત ડો.વરદા ગોખલે તેમજ રાજકોટના બાળકોની આંખના નિષ્ણાંત ડો.ઓમ પટેલની સેવાઓનો ખાસ લાભ મળશે. કેસબારીનો સમય સવારે ૮:૩૦ થી ૧૦:૩૦ વાગ્યાનો રહેશે. જે લોકો દૂરના ગામ- શહેરોમાંથી આવતા હોય અને કેસબારીના સમય મુજબ પહોંચી શકે તેમ ન હોય તેઓ કેમ્પના આગલા દિવસે રાત્રિના ૧ વાગ્યા સુધીમાં હોસ્પિટલ આવી શકે છે. કેમ્પમાં દર્દીઓ અને તેમની સાથે આવનાર બે સગાં- સંબંધીઓ માટે રહેવા- જમવાની સુવિધા પણ ટ્રસ્ટ તરફી વિનામૂલ્યે આપવામાં આવે છે.

જે દર્દીઓના અગાઉથી ઓપરેશન નક્કી થયેલા હશે તેઓના ઓપરેશન આ કેમ્પમાં કરી આપવામાં આવશે. હાજર રહેલ દર્દીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને અન્ય દર્દીઓના પણ ઓપરેશન કરવામાં આવશે અથવા અન્ય દર્દીઓને આવનારા કેમ્પ માટે ઓપરેશનની તારીખ આપવામાં આવશે. આ અંગે મેનેજર ધવલભાઈ કરથીયા (મો.૯૪૦૮૯ ૩૯૯૮૨) તથા વિશેષ માહિતી માટે સંયોજક ડો.તેજસભાઈ શાહ (મો.૭૫૬૭૦ ૪૯૩૦૧)નો બપોરે ૪ પછી સંપર્ક કરી શકાશે.

પેશન્ટની વધુ સગવડતા માટે દર મહિનાની બદલે હવેથી દર અઠવાડિયે શરૂ થયેલ બાળકોની આંખના આ વિનામૂલ્યે થતા કેમ્પની માહિતી વધુને વધુ જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચાડવા ફાઉન્ડર ડો.રમણિકભાઈ મહેતા, પ્રમુખશ્રી લલિતભાઈ મહેતા તથા ટ્રસ્ટીશ્રીઓએ નમ્ર અનુરોધ કરેલ છે.

(11:48 am IST)