સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 21st June 2019

સુરેન્દ્રનગરમાં કોમ્પ્યુટર ક્લાસીસના કોચિંગ શિક્ષકે યુવતીને શારીરિક અડપલાં કર્યા :પોલીસ ફરિયાદ

યુવતીના વાલી-પરિવારજનોએ કલાસીસ ઉપર ધસી ગયા

સુરેન્દ્રનગર નવા જંકશન રોડ ઉપર આવેલ ટીચ કોમ્પ્યુટર કલાસીસમાં ગુરૂવારે બપોરે કોચીંગ શિક્ષકે કલાસીસમાં આવતી યુવતી સાથે એકલતાનો ફાયદો ઉઠાવી તેના શરીરે હાથ ફેરવી શારિરીક અડપલા કર્યાની ઘટના સામે આવતા હોબાળો મચી જવા પામ્યો છે.

  ઘટનાનાં પગલે યુવતીના વાલી-પરિવારજનોએ કલાસીસ ઉપર ધસી ગયા હતા. ઘટના મામલે સુરેન્દ્રનગર એ-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા કોચીંગ કલાસીસ સંચાલકોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

   આ અંગે વધુમાં મળતી વિગત મુજબ સુરેન્દ્રનગર નવા જંકશન રોડ ઉપર આવેલ ટીચ કોમ્પ્યુટર કલાસીસમાં ગુરૂવારે અંદાજે 11.30 કલાકના અરસામાં શહેરના એક વિસ્તારની 19 વર્ષીય યુવતી ટીચ કોમ્પ્યુટર કલાસીસમાં કોચીંગ અર્થે આવી હતી. કલાસીસમાં આગમન પૂર્વે યુવતી સાથે ટીચ કોમ્પ્યુટર કલાસીસના શિક્ષક ધીરેન ગઢવીએ 11.30 ઉપર આવવા જણાવ્યુ હતુ. આથી યુવતી 11.15 કલાકે કસાસીસ ઉપર પહોંચી હતી,

 બાદમાં કલાસમાં ઉપસ્થિત બે છોકરોઓ નીકળી ગયા બાદ શિક્ષક ધીરેન ગઢવી કોમ્પ્યુટર શિખવવાના બહાને બાજુમાં બેસી ગયો હતો, અને વાતોવાતોમાં યુવતીના અંગોને અડપલા કરવા લાગ્યો હતો. જેથી યુવતીએ પ્રતિકાર કરતા તને શું વાંધો છે ? તેવુ કહી યુવતી શરીરે હાથ ફેરવવા લાગ્યો હતો, આથી ભયભિત બનેલ યુવતી દવા લેવાનુ બહાનુ બતાવીને કલાસીસમાંથી નીકળીને ઘેર પહોંચી હતી. કલાસીસ ઉપર શિક્ષકે તેની સાથે ગેરવર્તણુંક થયાની માતા-પિતાને વાત કરતા તેઓ ડઘાઈ ગયા હતા. બાદમાં યુવતીના પિતાએ શિક્ષક ધીરેન ગઢવી સાથે મોબાઈલ ઉપર વાત કરતા શિક્ષકે સામે ધમકી આપી હતી કે, જો તમે ફરિયાદ કરશો તો હું પણ તમારી સામે ફરિયાદ કરીશ

   કોચીંગ કલાસમાં એકલતાનો લાભ લઈ ટીચીંગમાં આવતી યુવતી સાથે શારિરીક છેડછાડના મામલાની ૧૮૧ મહિલા હેલ્પ લાઈનમાં જાણ કરી હતી. જેના પગલે હેલ્પ લાઈન વિભાગના કાઉન્સેલર મારથીબેન સાકારામભાઈ ગામીત, કોન્સ્ટેબલ શીતલબેન શિયાળીયા, પાયલોટ જગદીશભાઈ વિગેરેઓએ ટીચ કોમ્પ્યુટર કલાસીસ ઉપર દોડી જઈ યુવતીને મદદ પુરી પાડી હતી. આથી સુરેન્દ્રનગર એ-ડીવીઝન પોલીસ મથકે મામલો પહોંચતા ટયુશન કલાસીસના શિક્ષક સામે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ સુરેન્દ્રનગર સિટી એ-ડીવીઝન પોલીસ ચલાવી રહી છે.

(10:21 pm IST)