સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 21st May 2019

જુનાગઢની પરી જોષીએ અકસ્માતના ૨૫ મિનિટ પહેલા જ વોટ્સએપ સ્ટેટ્સમાં મુકેલી તસ્વીર પરિવારજનો માટે કાયમી સંભારણુ બની ગયું

'પપ્પા મને બચાવી લો... મારે તમારી સાથે રહેવું છે' : 'બેટા... દિકરા ઓમ નમઃ શિવાય બોલો' : પિતા-પુત્રી વચ્ચે છેલ્લો સંવાદ

જૂનાગઢ તા. ૨૧ : જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશીના દીકરાની કારને આંધ્રપ્રદેશમાં અકસ્માત નડતા ધારાસભ્ય ભીખાભાઇની ૧૧ વર્ષની પૌત્રી પરીનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજવા પામ્યુ છે જયારે ભીખાભાઈના રાજકોટ રહેતા જમાઈ તથા ભાણેજને આ અકસ્માતમા ઇજા થતા હૈદરાબાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, આ દુઃખદ ઘટનાની જૂનાગઢમાં જાણ થતાં ભીખાભાઈના પરિવાર સહિત તેમના શુભેચ્છકો શોકમાં ગરકાવ થયા છે. અને ભીખાભાઈના જૂનાગઢ સ્થિત ગાંધીગ્રામમાં નિવાસ્થાને મોટી સંખ્યામાં કોંગ્રેસ સહિતના રાજકીય સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડી ભીખાભાઈના પરિવારો પર આવી પડેલા આ દુઃખદ ઘટના અંગે સાંત્વના પાઠવી છે.

જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીના પુત્ર મનોજભાઈ તેમના પત્ની આશાબેન, દીકરી પરી (ઉવ. ૧૨), રાજકોટ રહેતા તેમના જીજાજી રાજુભાઈ, બેન જયશ્રીબેન તથા ભાણેજ નીશાંત અને ભાણકી સહિતના મનોજભાઈ ની કારમાં આંધ્રપ્રદેશના પ્રવાસે ગયેલા હતા દરમિયાન આજે ચાર વાગ્યાના અરસામાં હૈદરાબાદ થી ૧૦૦ કિલોમીટર દૂર એક ટ્રકે ઓચિંતા બ્રેક મારતા કાર ચલાવી રહેલ મનોજભાઈએ પોતાની કાર રોડ સાઈડમાં લેતા સામેથી એક પુરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકે મનોજભાઇની કાર નંબર જીજે૧૧-એબી-૨૯૭૫ને અડફેટે લેતા એક ગમખ્વારઙ્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં મનોજભાઈની દીકરી પરી (ઉવ.૧૨)નું ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હતું, જયારે ભીખાભાઈના રાજકોટ રહેતા જમાઈ રાજુભાઈ તથા ભાણેજ નિશાંતને ગંભીર ઇજાઓ થતાં તેમને તાત્કાલિક હૈદરાબાદ ખાતેની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીના પરિવારજનો ઉપર આવી પડેલા આ દુઃખદ બનાવની જાણ જૂનાગઢમાં વાયુવેગે પ્રસરી જતા જૂનાગઢના બ્રહ્મ સમાજના અગ્રણીઓ, રાજકીય-સામાજિક આગેવાનો સાહિતનાઓ મોટી સંખ્યામાં અત્યારે ભીખાભાઈ જોશીના જૂનાગઢ સ્થિત નિવાસ્થાને પહોંચ્યા હતા અને ભીખાભાઈ તથા તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી છે.

ભીખાભાઈના પરિવારજનોના જણાવ્યા અનુસાર ગત તારીખ ૧૨ ના રોજ મનોજભાઈ તેમના પરિવાર તથા રાજકોટ સ્થિત તેમના બેનના પરિવાર સાથે પોતાની કાર દ્વારા આંધ્ર પ્રદેશના પ્રવાસે નીકળ્યા હતા અને અકસ્માતની ૨૫ મિનિટ પહેલા તો મરણ જનાર દીકરી પરીએ તેમના પ્રવાસની યાદગાર તસ્વીર વોટ્સએપના સ્ટેટસ માં મૂકી હતી જે સ્ટેટસ તસ્વીર તેમની આખરી અને પરિવારજનો માટે કાયમી સંભારણું બની જવા પામી હોવાનું પરિવારજનો ચોધાર આંસુઓ સાથે જણાવી રહ્યા છે.

અકસ્માત બાદ જ્યારે તેમના પિતા મનોજભાઇ જોષી પુત્રી પરિને લઇને હોસ્પિટલ ખાતે લઇ જતા હતા ત્યારે 'પપ્પા મને બચાવી લો... મારે તમારી સાથે રહેવું છે. તેમ કહેતા તેના પિતા મનોજભાઇ જોષીએ કહ્યું કે, બેટા... દિકરા ઓમ નમઃ શિવાય બોલો' આ પિતા-પુત્રીનો સંવાદ છેલ્લો હતો.

(12:58 pm IST)