સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 21st May 2019

ભાગીદારોના ત્રાસથી કંટાળી મોરબીના ઉદ્યોગપતિ જયેશ ફળદુ ચિઠ્ઠી લખી લાપતા

કારખાનુ ખોટમાં જતા મશીનરી - કારખાનુ વેચવા માટે ભાગીદારો સંમંત ન થતા અને ઉઘરાણી ચાલુ થતા કંટાળ્યો'તો : છ પાનાની ચિઠ્ઠી લખી વ્યથા વર્ણવી

મોરબી તા. ૨૧ : મોરબીના કન્યા છાત્રાલય રોડ પરના રહેવાસી સિરામિક ઉદ્યોગપતિ ગુમ થતા તેના ભાઈએ આ અંગે પોલીસમાં જાણ કરી છે યુવાન ઉદ્યોગપતિ છ પાનાની ચિઠ્ઠી પણ છોડી ગયા છે. જેમાં ભાગીદારોને કારણે તે આ પગલું ભરવા મજબુર થયા હોવાનું પણ જણાવ્યું છે.

મોરબીના કન્યા છાત્રાલય રોડ પરની આદિનાથ સોસાયટીમાં રહેતા વિજયભાઈ જયંતીભાઈ ફળદુએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેના મોટાભાઈ જયેશભાઈ ફળદુ ગત તા. ૧૪ ના રોજથી ગુમ થયા છે અને તેનો મોબાઈલ ગાડીમાં મુકેલો હોય જયાંથી ચિઠ્ઠી મળી આવી છે. જેમાં જણાવ્યું છે કે મિરેકલ સિરામિક છેલ્લા કેટલાક મહિનાથી નુકશાનીમાં ચાલે છે કારખાનાને વેચી નાખીને ભાગીદારી છૂટી કરવા માટે ભાગીદારો સહકાર આપતા નથી તેમજ લેણદારોનું દબાણ વધી રહ્યું છે જેથી તે કોઈને કાઈ કહ્યા વગર જઈ રહ્યા છે.

ચિઠ્ઠીમાંથી વધુ માહિતી પ્રાપ્ત થઇ છે જેમાં અગાઉ દર ત્રણ માસે ભાગીદારોની મીટીંગ થતી હતી અને કારખાનું ખોટમાં ચાલતું હોવાથી મશીનરી સાથે ૧૭ થી ૧૮ કરોડમાં વેચવાનું નક્કી કરાયું હતું પરંતુ બાદમાં ઓછી કિમતમાં કારખાનું વેચવા માટેની તૈયારી વચ્ચે ભાગીદાર પ્રકાશભાઈ, મનોજભાઈ અને પ્રવીણભાઈ કારખાનું વેચવા માટે અને ભાગીદારીને છૂટી કરવા સહકાર આપતા ના હોય ફેકટરીમાં બેંક ઉઘરાણી તથા અન્ય ઉઘરાણી માટે આવતા લોકોનું દબાણ વધી રહ્યું હોવાથી તે કંટાળી ગયા હોવાનું જણાવ્યું છે અને હવે તે કારખાનામાં બેસવા માંગતા ના હોય અને અહી રહેવા માંગતા ના હોય જેથી ચાલ્યા ગયાનું જણાવ્યું છે. મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

(12:47 pm IST)