સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 21st May 2019

દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણા ગામના

શહિદ જવાનના પરિવારની સાંથણીની જમીનમાં પેશકદમી પ્રશ્ને તંત્રને રજૂઆત

ખંભાળિયા, તા. ૨૧ :. દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણામાં સતવારા પરિવારના જમ્‍મુ કાશ્‍મીર સરહદે બોમ્‍બ બ્‍લાસ્‍ટમાં શહિદ થયેલા મોહન મથુરભાઈ ડાભીના પરિવારને જીવનનિર્વાહ માટે નંદાણા ગામે સ.નં. ૧૪૩૬માંથી ૫-૮૪-૭૭ના માપની જમીન સરકાર તરફથી મળી હતી.

આ જમીન પર છેલ્લા ૧૦ વર્ષોથી શહીદ મોહન મથુરભાઈ ડાભીના પરિવારજનો ખેતી કરીને ગુજરાન ચલાવતા હતા પરંતુ ત્રણ માસ પહેલા બાજુના સ. નં.૧૪૩૭માં આવેલી ખાનગી કંપનીની લીઝમાંથી બોકસાઈટ ખનીજ ખોદતા ખોદતા કંપનીના કોન્‍ટ્રાકટરો તથા અધિકારીઓ દ્વારા ૧૪૩૬માંથી પણ ખનીજ કાઢવાનું ચાલુ કરતા શહિદ મોહનભાઈ પરિવાર દ્વારા ખાણખનીજ અધિકારી દ્વારકાને રજૂઆત કરતા ખોદકામ થોડો સમય બંધ થઈ ગયું હતું.

જે પછી ગત તા. ૧૬-૪-૧૯ના ફરીથી ગેરકાયદે ખોદકામ શરૂ કરીને સાંથણીની જમીનના શેઢા સુધી ખોદી નાખતા તેમને ના કહેવા જતા તેઓએ મથુરભાઈ તથા રણમલભાઈની સાથે ઝપાઝપી કરી ગાળાગાળી માથાકુટ કરીને જાનથી મારી નાખવાની કોશિષ કરી હતી.

આ અંગે કાયદાકીય જોઈએ તો કંપનીને જે જમીન મળી હોય તેની અંદરની બાજુએ ૭.૫ મીટર છોડીને ખોદવાનું હોય તેને બદલે સાંથણીની બાજુની જમીનમાં અંદર સુધી ખનીજ ખોદકામ કર્યુ છે તથા નિયમોનો ભંગ કર્યો છે. જેથી ગુજરાતના સમસ્‍ત સતવારા સમાજના આગેવાનો શહીદ મોહનભાઈ મથુરભાઈ ડાભીના પરિવારને થતા અન્‍યાય તથા હેરાનગતિ અંગે યોગ્‍ય પગલા ભરવા તાકીદે કાર્યવાહી કરવા આવેદનપત્ર અધિક કલેકટરશ્રી પટેલને આપીને પગલા ભરવા માંગ કરી હતી.

આવેદનપત્ર આપવામાં ધરમપુરના ઉપસરપંચશ્રી રસીકભાઈ લાલજી નકુમ, એકસ. આર્મીમેન ડાભી ભરત લીરાભાઈ, નકુમ અરજણ રામજી, ચોપડા મોહન પ્રેમજી, ડાભી રાકેશ આર. પરમાર જમન ભાણા, સતવારા યુવા અગ્રણી મહીપતભાઈ માહી', રવજી કુરજી ડાભી, રણમલ ઉકા પરમાર, નકુમ બાબુ વેલા વિ. જોડાયા હતા.

અધિક કલેકટરશ્રી પટેલે યોગ્‍ય કરવા ખાત્રી આપી છે.

નંદાણા શહીદ પરિવારની જમીન અંગે ખનીજચોરો દ્વારા થતી હેરાનગતિ અંગે જિલ્લા પોલીસ વડાશ્રી રોહન આનંદે જણાવેલ કે આ બાબતે સંબંધિત અધિકારીને તુરંત એકશન લેવા સૂચના અપાઈ ગઈ છે તથા તેઓ જાતે અંગત રીતે ખાસ અધિકારીને આ અંગે મોનીટરીંગ  કરવા સૂચના આપેલ છે.

(11:38 am IST)