સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 21st May 2019

જામનગરમાં લોહાણા પરિવારના વિધવાના પ્‍લોટનું બારોબાર વેંચાણ કરી દેતા ખળભળાટ

સીઆઇડી ક્રાઇમ દ્વારા કૃણાલ બુસાની અટકાયતઃ આર.કે.શાહની આગોતરા જામીન અરજીનો સંભવતઃ કાલે હુકમ

જામનગર તા.૨૧: જાણીતા લોહાણા પરિવારના વિધવાએ તેઓનો દરેડમાં આવેલો કરોડો રૂપિયાની કિંમતનો પ્‍લોટ સાત વર્ષ પહેલા તેમના જેઠના પુત્રએ બોગસ સહી કરી બારોબાર વેંચી નાખ્‍યાની રાવ સાથે હાઇકોર્ટમાં રીટ કરતા હાઇકોર્ટે આ બાબતનો ગુન્‍હો નોંધવા સીઆઇડી ક્રાઇમને આદેશ કર્યો હતો. જેના પગલે સીઆઇડીએ ફરિયાદીના ભત્રીજા તેમજ પ્‍લોટના પ્રથમ ખરીદનાર નગરના જાણીતા અગ્રણી તેમજ બીજા ખરીદનાર જાણીતા કારખાનેદાર સામે ગુન્‍હો નોંધ્‍યો છે. ગઇકાલે એક આરોપીની ધરપકડ કરાયા પછી તેને જેલ હવાલે કરાયો છે જ્‍યારે જૈન અગ્રણીએ આગોતરા જામીન મેળવવા કરેલી અરજીનો હુકમ બુધવાર પર મુલત્‍વી રહ્યો છે.

જામનગરના જાણીતા લોહાણા અગ્રણી કીલુભાઇ (વિનોદરાય) વસંતના પત્‍ની વર્ષાબેનએ ગઇ તા.૧૮ના દિને રાજકોટના સીઆઇડી ક્રાઇમ પોલીસ સ્‍ટેશનમાં નોંધાવેલી ફરિયાદની વધુ વિગત મુજબ તેમના પતિ વિનોદરાય (કીલુભાઇ)ના ભાઇ મહેશભાઇ વસંતના પુત્ર હેમલ તેમજ જામનગરના સુમેર કલબ રોડ પર સોહિલ બંગ્‍લોઝમાં વસવાટ કરતા રમણીકલાલ કેશવજીભાઇ (આર.કે.) શાહ તથા જામનગરની ઓશવાળ કોલોની શેરી નં.૨માં પ્રકૃતિ નામના બંગ્‍લામાં રહેતા કૃણાલ મહેશભાઇ બુસા નામના પટેલ આસામીએ વર્ષ ૨૦૧૨ના ફેબ્રુઆરી મહિનામાં વર્ષાબેનની માલિકીનો જીઆઇડીસી ફેઝ-૩માં આવેલા પ્‍લોટ નં.૩૬૬૪ના વેચાણ કરાર બોગસ રીતે ઉભા કરી તે મિલકતના કાગળોમાં ખોટી સહીઓ કરી, ખરા તરીકે ઉપયોગ કરી છતેરપિંડી તથા વિશ્વાસઘાત આચર્યા છે.

જામનગરના પંડિત નેહરૂ માર્ગ પર દિપ ભવન સામે વસવાટ કરતા વર્ષાબેને ગઇ તા. ૧૬ના દિને જાહેર કરાયેલી ફરિયાદમાં વધુમાં જણાવવામાં આવ્‍યા મુજબ તેઓના પતિ વિનોદરાય કલ્‍યાણજી (કીલુભાઇ) વસંતનું વર્ષ ૨૦૦૯માં અવસાન થયા પછી તેઓ પુત્ર મિતલ,પુત્રવધુ પ્રિયંકા સાથે વસવાટ કરે છે તેઓને સંતાનમાં કોમલબેન તેમજ શીતલબેન નામની બે પુત્રીઓ પમ છે, તેમના પતિ વિનોદરાય ત્રણ ભાઇઓ જેમાં દેઠ મહેશભાઇ અને દિયર શરદભાઇની વચ્‍ચેના ક્રમમાં હતા તેઓનું નિધન થયું છે. તે દરમ્‍યાન વર્ષાબેનને કેન્‍સરની બીમારી લાગુ પડતા તેઓ મુંબઇ સ્‍થિત દિયર શરદભાઇના ઘેર રોકાવા અને મુંબઇમાં સારવાર મેળવવા માટે ગયા હતા.

જ્‍યાં તેઓ એકાદ વર્ષ સુધી રહ્યાં પછી તેઓ જ્‍યારે વર્ષ-૨૦૧૫માં પરત આવ્‍યા ત્‍યારે તેઓને જામનગરના અગ્રણી આર.કે.શાહનો કોલ આવ્‍યો હતો. જેમાં તેઓએ જણાવ્‍યા મુજબ તેમોને એક કાગળ મોકલું છું તેમાં તમારી સહી કરી આપજો તેમ કહ્યું હતું આથી વર્ષાબેને શેનો કાગળ છે, મારે કઇ બાબતની સહી કરવાની છે તેમ પૂછતા રમણીકભાઇ શાહે જીઆઇડીસી ફેઝ-૩માં તમારા આવેલા પ્‍લોટની અમે ખરીદી કરી છે. તેનો કાગળ છે, તમે મિતલને મોકલો હું સમજાવી દઇશ.

તેમ કહેતા વર્ષાબેને પુત્રને મેટાલીક ઇન્‍ડસ્‍ટ્રીઝમાં આર.કે.શાહ પાસે મોકલ્‍યો હતો. જ્‍યાં આર.કે.શાહે કહ્યું હતું કે મારે હેમલ મહેશભાઇ વસંત સાથે પ્‍લોટ બાબતનો વહીવટી થયો છે તે બાબતનો કરાર કરવામાં આવ્‍યો છે તે તમે જોઇ લેજો તેમ કહેતા વર્ષાબેનને પુત્ર મિતલે વાત કરતા વર્ષાબેન ચોંકી ગયા હતા. તેઓએ આ પ્‍લોટ બાબતનો કોઇ સોદો કર્યો ન હોય તેમ છતાં તે પ્‍લોટના વેચાણ કરાર ઉભા થઇ ગયા હોય તેઓએ આગળ તપાસ કરાવી હતી જેમાં કરારના પાના નં.૩ પર વર્ષાબેન વિનોદભાઇ વસંતનું નામ વેચનાર તરીકે દર્શાવી તેના પર વર્ષાબેનના જેઠના પુત્ર હેમલ મહેશભાઇ વસંતની સહી જોવા મળી હતી. જ્‍યારે પાછળના ભાગે બે એન્‍ટ્રીઓ બતાવાઇ હતી.

જેમાં તા.૬-૩-૨૦૧૨ના દિને રૂા. ચાલીસ લાખ રોકડા મળ્‍યા હોવાનું, તેની નીચે હેમલની સહી હોવાનું અને એન્‍ટ્રી નં.૨માં તા.૬-૧-૧૩ ના દિને રૂા.૧૫ લાખ રોકડ મળ્‍યા હોવાનું લખેલું છે. તેમજ શરત નં.૧માં અવેજની બાકી રહેતી રકમ રૂા.એક કરોડ તેર લાખ ઉપરાંતની રકમ છ મહિનામાં તમો ખરીદનારે ચૂકવી આપવાની છે તેમ લખેલું જોવા મળ્‍યું છે આથી વર્ષાબેને પોતાના ૩૬૬૪ નંબરના આ પ્‍લોટનું વેચાણ બોગસ કરાર પર જ થયાનું માન્‍યું હતું.

તે ઉપરાંત વર્ષાબેનના બેંક સ્‍ટેટમેન્‍ટમાં પણ આર.કે.શાહ પ્રેમલ શાહ, રાકેશ ડી.શાહ  અને પ્રફુલ બુસા નામના ચાર વ્‍યક્‍તિઓ દ્વારા અલગ-અલગ પાંચ તારીખોમાં કુલ સાત ચેકથી રૂા.૮૬,૩૫,૦૦૦ જમા કરાવવાની એન્‍ટ્રીઓ જોવા મળી છે. જે એન્‍ટ્રીઓથી વર્ષાબેન અજાણ છે. તેથી વર્ષાબેનને પોતાના બેંક એકાઉન્‍ટનો પણ અન્‍ય વ્‍યક્‍તિઓ દુરઉપયોગ કરતા હોવાની આશંકા ઉભી થઇ હતી. તેથી તેઓએ તા.૨૯-૫-૧૫ના દિને બેંકમાં રજુઆત કરી સહીમાં ફેરફાર કરાવ્‍યો છે. તેઓના વહેંચી નાખવામાં આવેલા આ પ્‍લોટને ખરીદનાર આર.કે.શાહે તે પ્‍લોટ કૃણાલ બુસા નામના આસામીને વેંચી નાખ્‍યો હતો. આ પ્‍લોટમાં બાંધકામ અંગે જામ્‍યુકોમાં અરજી પણ કરવામાં આવી હતી અને તેને મંજુરી પણ મળી હતી. તે પ્‍લાન અંગેની વર્ષાબેન પ્રમાણિત નકલો કઢાવતા તેમાં પણ વર્ષાબેનની ખોટી સહીઓ જોવા મળી છે અને આ સહીંઓ હેમલ મહેશભાઇ વસંતે કર્યુ હોવાની આશંકા વ્‍યકત થઇ છે.

ફરિયાદ માટે તજવીજ કરતા વર્ષાબેન ગુજરાત હાઇકોર્ટમાં રીટ કરતા હાઇકોર્ટે ઉપરોક્‍ત ગુન્‍હાની ગંભીરતા પારખી આ કેસને નોધવા માટે સીઆઇડી ક્રાઇમને આદેશ કરતા શનિવારે બપોરે રાજકોટ ઝોનની સીઆઇડી ક્રાઇમ કચેરીમાં ફરિયાદી વર્ષાબેન વસંતની ફરિયાદ પરથી આઇપીસી ૧૨૦ (બી), ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૭૦, ૪૭૧ હેઠળ હેમલ મહેશભાઇ વસંત, રમણીકલાલ કેશવજી શાહ, કૃણાલ મહેશભાઇ બુસા સામે ગુન્‍હો નોંધાયો છે.

તપાસ દરમિયાન કાલે સીઆઇડી ક્રાઇમની ટુકડીઓ કૃણાલ બુસાની અટકાયત કરી લઇ પૂછપરછ કર્યા પછી તેને જેલ હવાલે કર્યો છે, જ્‍યારે આરોપી તરીકે દર્શાવેલા આર.કે.શાહે સીઆઇડીની ટુકડી પોતાની ધરપકડ કરશે તેવી ભીતીથી જામનગરની અદાલતમાં આજે આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી હતી. જેની સામે ફરિયાદી તરફથી વકીલ રાજેશ ગોસાઇ ઉપસ્‍થિત થયા હતા. અદાલતમાં બંને પક્ષો તરફથી બપોર સુધીમાં દલીલો પૂર્ણ કરવામાં આવી છે પરંતુ અદાલતે આર.કે.શાહની અરજીનો હુકમ બુધવાર પર મુલત્‍વી રાખ્‍યો છે.

(11:37 am IST)