સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 21st May 2019

જસદણમાં ૩૦ કિલો ડુપ્લીકેટ ઘી સાથે ઝડપાયેલા બન્ને શખ્સોના રીમાન્ડની તજવીજ

આટકોટ, તા., ર૧: જસદણના મોતીચોક ખાતે આવેલ જયંતીલાલ ભુરાભાઇ નામની દુકાનેથી ડુપ્લીકેટ માહી ઘીના બે ડબ્બા કિલો ૩૦ મળી આવતા જસદણ પોલીસે કોપી રાઇટ એકટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

જસદણમાં મોતી ચોક ખાતે ગીરીશ શાંતીલાલ શાહ નામનો વણીક શખ્સ શાહ જયંતીલાલ ભુરાભાઇના નામથી દુકાન ચલાવે છે. જયાં તે ડુપ્લીકેટ માહી ઘીનું વેચાણ કરતો હોવાનું કંપનીને જાણમાં આવતા કંપનીના લીગલ ઓફીસર નિતીનભાઇ રમણીકભાઇ લાંઘણોજાએ જસદણ આવી જસદણ પોલીસને જાણ કરતા જસદણ પોલીસ મોતી ચોક ખાતે દોડી ગયા હતા અને ડુપ્લીકેટ ઘીના ડબ્બા કબ્જે કર્યા હતા અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જસદણ પોલીસે કંપનીના લીગલ ઓફીસર નિતીનભાઇ લાંઘણોજાની ફરીયાદ લઇ ગીરીશ શાંતીલાલ શાહ અને જાનીભાઇ વિરૂધ્ધ ટ્રેડમાર્ક ૧૯૯૯ની કલમ ર૯ તથા કોપી રાઇટ એકટ ૧૯પ૭ની કલમ ૬૩ મુજબ ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આજે આરોપીઓને કોર્ટમાં રજુ કરી રીમાન્ડ મંગાશે.

આ બનાવથી જસદણ વેપારી વર્ગમાં ભારે ચર્ચા જગાવી છે. વધુ તપાસ જસદણ પીએસઆઇ આર.પી.કોળીયાતર ચલાવી રહયા છે.

(11:37 am IST)