સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 21st May 2019

વધુ એક વાર કચ્‍છના ક્રીક એરિયામાં પાકિસ્‍તાનની ‘નાપાક' હરકત, એક બોટ સાથે બે ઘૂસણખોર પકડાયા - ૧૧ નાસી છૂટયા?

ઇનપુટ આપવામાં જી બ્રાન્‍ચની બેદરકારી?, ભાગી જનારાઓને ઝડપવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન

ભુજઃ કચ્‍છના ક્રીક વિસ્‍તારમાં બીએસએફ દ્વારા પેટ્રોલીંગ દરમ્‍યાન એક બોટ સાથે બે પાક ઘૂસણખોરોને ઝડપી પડાયા છે જે તસ્‍વીરમાં નજરે પડે છે

ભુજ, તા.૨૧: સરહદી જીલ્લા કચ્‍છમાં સોમવારે સવારે ફરી એકવાર પાકિસ્‍તાનની નાપાક બદમાશી બહાર આવી હતી. જેમા ભારતીય દરિયાઈ સરહદમાં એક બોટ સાથે બે પાકિસ્‍તાની દ્યૂસણખોર ઝડપાઇ ગયા હતા. જયારે ૧૧ ધુસણખોર ભાગી ગયા હોવાનો દાવો સૂત્રોએ કર્યો હતો. ભારતમાં ઘુસણખોરી કરતી વેળાએ પકડાઈ ગયેલા આ સખ્‍શો કયા ઇરાદાથી અહી આવ્‍યા હતા તથા તેમની પાસેથી શું મળી આવ્‍યુ હતુ તેની તપાસ ચાલી રહી છે. પકડાયેલા શખ્‍સ ઉપરાંત અન્‍ય કોઈ બોટ કે વ્‍યક્‍તિઓ છે કે નહીં તેં માટે સીમા સુરક્ષા દળ દ્વારા એક સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્‍યું હતુ.

કચ્‍છમાં આવેલી બીએસએફની ગુપ્તચર શાખા જી' બ્રાન્‍ચનાં નબળા નેટવર્કને લીધે છેલ્લા કેટલાક સમયથી બોર્ડર ક્રોસિંગની ઘટના સહીત કચ્‍છમાં સીમા સંબંધી હરકતોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે તેવામાં બીએસએફની ૧૦૮મી બટાલિયનનાં ઘુસણખોરીની ઘટનાને નિષ્‍ફળ કરવાનો પ્રયાસ કર્યો હતો. રૂટીન પેટ્રોલિંગ વેળાએ ક્રીક એરિયામાં સામે પારથી હરકત જોવા મળતાં ભારતના જવાનોએ તે દિશામાં સ્‍પીડ બોટથી પીછો કર્યો હતો. બીએસએફના જવાનોને જોઈને ભારતમાં ઘૂસી આવેલાં નાપાક તત્‍વોએ પાછા ફરવા માટે બોટ પણ દોડાવી હતી. દરમિયાન ભારતના વિસ્‍તારમાં દ્યૂસી આવેલા નાપાક શખ્‍સો પૈકી ૧૧ તેમના એરિયામાં ભાગી જવામાં સફળ રહ્યા હતા જયારે બે વ્‍યક્‍તિને એક બોટ સહીત ઝડપી લેવામાં આવ્‍યા હતા.

૧૧ શખ્‍સ ભાગી જવાની ઘટનાને પગલે બીએસએફની જી બ્રાન્‍ચનાં ડીસી ઉપરાંત કચ્‍છનાં ડીઆઇજી પણ કોઈ સત્તાવાર વિગતો જાહેર ન કરવાને ઇરાદે બચતા જોવા મળ્‍યા હતા. જોકે ગુજરાત ફ્રન્‍ટીયરનાં વડા એવા આઇજી જી. એસ.મલિકે બે શખ્‍સ પકડવાની વાતને સમર્થન આપ્‍યુ હતુ. અને જી બ્રાન્‍ચના ડિઆઇજી એ પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હોવાની વાત જણાવી હતી.

(11:19 am IST)