સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st May 2018

ગેરકાયદે લેબોરેટરી ચલાવતા ચાર ટેકનીશ્યન અને ડોકટરને બે વર્ષની સજા

જામનગર, તા. ૨૧ :. મહારાષ્ટ્રના કરાડ શહેરમાં ગેરકાયદેસર લેબોરેટરી ચલાવતા ચાર ટેકનીશ્યન અને નામ વેચનાર એક પેથોલોજીસ્ટ ડો. પવારને બે વર્ષની સખ્ત કેદની સજા કરવામાં આવી છે.

૧૨ ડિસેમ્બર ૨૦૧૭ના સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપેલ કે કોઈપણ પેથોલોજી રિપોર્ટમાં મેડીકલ કાઉન્સીલમાં રજીસ્ટર પોસ્ટ ગ્રેજ્યુએટ પેથોલોજીસ્ટની સહી જરૂરી છે (એમ.ડી. અથવા ડી.સી.પી.) તેવુ ઠરાવેલ છે.જુડીશ્યલ મેજીસ્ટ્રેટ, એફ.સી. કરાડ (મહારાષ્ટ્ર) કેસમાં જજ શ્રી આર.ટી. ગોયલે ગેરકાયદેસર લેબોરેટરી ચલાવનાર ચાર ટેકનીશ્યન અને નામ વેચનાર એક પેથીલોજીસ્ટ ડો. પવારને બે વર્ષની સખત કેદની સજા કરવામાં આવી. ઉપરાંત રૂ. ૨૦૦૦ના દંડ અને જો દંડ ન ભરે તો એક માસની વધારાની સાદી સજા કરવામાં આવેલ છે. મહારાષ્ટ્ર મેડીકલ પ્રેકટીશનર એકટ ૧૯૬૧ સેકશન ૩૩-એ, ૩૩(૨) વાઇડ સેકશન ર૧૮ (૧) ક્રિમીનલ પ્રોસીઝર ૧૯૭૩, ઇન્ડીયન પેનલ કોડ ૪૧૭ હેઠળ ગુનેગાર ઠેરવી સખ્ત કેદની સજા ફરમાવા આવેલ છે.ટેકનીશ્યનના નામ (૧) અશોક હાર્દીકર (ર) જીતેન્દ્ર (૩) નારાયન (૪) દિપક કાલે. નામ વેચનાર ભૂતિયા પેથોલીજીસ્ટ. ડો. મારૂત રાઉ બલવંત પવારને સખ્ત જેલની સજા ફરમાવામાં આવેલ છે.

ગુજરાતમાં પણ જન આરોગ્ય માટે ખતરારૂપ ગેરકાયદેસર લેબોરેટરી મોટા પ્રમાણમાં તંત્રની સાઠગાઠને કારણે ચાલે છે. સુપ્રિમ કોર્ટ તથા ગુજરાત હાઇકોર્ટનો સ્પષ્ટ ચુકાદો હોવા છતાં તંત્ર દ્વારા અનેક રજૂઆત છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવેલ નથી.

ગુજરાત પેથોલોજીસ્ટ એન્ડ માઇક્રો બાયોલોજીસ્ટ એસોસીએશન દ્વારા ગુજરાતના ચાલીસ વિવિધ શહેરોમાં ચાલતી ૪૯૬ ગેરકાયદેસર લેબોરેટરીની નામ જોગ આધાર પુરાવા સાથે ફરીયાદ ગુજરાત પોલીસ વડા (ડી.જી.પી.) કરવામાં આવેલ. ડી. જી. પી.એ ગુનાની ગંભીરતા જોતાં તમામ પોલીસ અધિકારીને ગુજરાત મેડીકલ  પ્રેકટીશનર એકટ ૧૯૬૩ કલમ ૩૦ હેઠળ કોગની જિમલ ગુનો બને છે. તે ગુના હેઠળ ત્વરીત કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવેલ પરંતુ ઉપરથી કોઇ દબાણને કારણે પોલીસ અધિકારીઓ કાર્યવાહી કરી શકતા નથી. તેથી ગુજરાત પેથોલોજીસ્ટ એન્ડ માઇક્રોબાયોલોજીસ્ટ એસોસીએશન દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જસ્ટીસ રેડ્ડી કોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટીશન દાખલ કરેલ છે. તેની સુનાવણી વેકેશન બાદ રપ જૂનના રોજ રાખવામાં આવેલ છે. લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે.

(4:26 pm IST)