સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st May 2018

ગોંડલ મહિલા કોલેજમાં શૌચાલય અને પ્રિન્સીપાલની ચેમ્બરના રીનોવેશન માટે રૂ.ર૯ લાખની ફાળવણી

વિપક્ષ કોંગ્રેસના નેતા અનિલભાઇ માધડ દ્વારા એસીબી તપાસની માંગણી

ગોંડલ તા.ર૧: અત્રેની નગરપાલીકા સંચાલીત મહિલા કોલેજમાં ટોયલેટના બાંધકામમાં પ્રમુખ દ્વારા દલા તરવાડી વાળી થવા પામતા ઉહાપોહ મચી જવા પામ્યો હતો ભાજપનાજ સદસ્યો દ્વારા વિકાસના નામે કરાયેલ ભ્રષ્ટાચારનો ઉગ્ર વિરોધ કરાયો છે કોંગ્રેસના સદસ્ય દ્વારા એસીબી દ્વારા તપાસની માંગ કરતા ચકચાર જાગી છે.

મહિલા કોલેજમાં નગરપાલિકા પ્રમુખ મનિષાબેન સાવલીયા દ્વારા ટોયલેટ ઉપરાંત પ્રિન્સીપાલની ચેમ્બરના રિનોવેશન માટે રૂ. ઓગણત્રીસ લાખના બજેટનું એસ્ટીમેન્ટ કરાતા અને જે પૈકી રૂ.છ લાખ અણસઠ હજાર જેવી રકમ કોન્ટ્રાકટને ચુકવી દઇ બાકીની રકમના ચુકવાણા અંગે હિલચાલ કરાતા સામાન્ય કામનું લાખો રૂ.નું બીલ બનાવાયુ હોય અને દલા તરવાડીવાળી થયાની જાણ સતાધારી ભાજપના જ સદસ્યો અશોકભાઇ પિપળીયા આશીફભાઇ ઝકરીયા વગેરેને થતા મહિલા કોલેજ દોડો જઇ ઉગ્ર વિરોધ કરી ધારાસભ્ય ગીતાબા જાડેજા અને ભાજપ મોવડી જયંતીભાઇ ઢોલને જાણ કરતા બન્ને આગેવાનોએ ટોયલેટના કામમાં ભ્રષ્ટાચારની ગંધ પારખી ત્વરીતી કામ અટકાવી તપાસ હાથ ધરી હતી.

કોંગ્રેસના સદસ્ય વિપક્ષીનેતા અનિલભાઇ માઘડે પ્રમુખ દ્વારા આચરાયેલ કૌભાંડ અંગે જવાબદારો સામે પગલા ભરવા અને ટોયલેટના કામમાં કરાયેલ ''લાલીયાવાળી'' અંગે એસીબી. દ્વારા તપાસની માંગ કરાતા પાલીકા વર્તુળોમાં ચકચાર મચી જવા પામી હતી અનીલભાઇ માઘડે જણાવ્યું કે ઓગણત્રીસલાખ જેવી રકમમાં એક મકાન બની જાય ત્યારે મહિલા કોલેજમાં માત્ર ટોયલેટ અને સામાન્ય રીનોવેશન માટે માતબાર રકમનુ કરાયેલ બજેટ પ્રમુખ દ્વારા કરાયેલ ભ્રષ્ટાચારની ગવાહી આપનાર છે.

ટોયેલના કોન્ટ્રાકટમાં પણ મામકાવાદ દાખવી ઓનલાઇન ટેન્ડર પ્રક્રિયા કરાઇ નથી. વધુમાં પ્રમુખ દ્વારા રૂ. રપ લાખની ફિકસ ડિપોઝીટ ઉપર તરાપ મરાઇ છે મહિલા પ્રમુખ મનિષાબેનના પતિ બટુકભાઇ સાવલીયા દ્વારા નગરપાલીકાનો વહીવટ ચલાવી બેફામ ભ્રષ્ટાચાર કરાયો છે. જે અંગે તપાસની માંગ અનિલભાઇ માઘડ દ્વારા કરાઇ છે. મહિલા કોલેજમાં ભ્રષ્ટાચારની બદબુ સાથે સર્જાયેલ ટોઇલેટ પ્રકરણ ટોક ઓફ ટાઉન બનવા પામ્યુ છે.

પાલીકાની તમામ કમીટીઓના ચેરમેનોની મુદત ગત ડીસેમ્બરમાં પુરી થઇ હોય ભાજપ મોવડી જયંતીભાઇ ઢોલ દ્વરા કોઇ અકળ કારણોસર ચેરમેનોની મુદત નહી લંબાવાતા પ્રમુખરાજ હોય કોઇપણ કમીટીમાં સર્વ સતાધીશ પ્રમુખ બનવા પામ્યા હતા હાલ મહિલા કોલેજજે બિલ્ડીંગમાં બેસેજ છે તે સોવર્ષ જુનુ હેરીટેજ બિલ્ડીંગ છે.

અંદાજે કોલેજમા અભ્યાસ કરતી બે હજારથી વધુ વિદ્યાર્થીઓ માટે નવા અદ્યતન બિલ્ડીંગના નિર્માણમાં પૂૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા પ્રયત્નો હાથ ધરાયા હોય કરકસર સાથે માતબર ભંડોળ પછી એકત્રીત થવા પામ્યું હતું પરંતુ પ્રમુખપદની મુદત પૂર્ણ થવામાં માત્ર થોડા દિવસો જ બાકી હોય વિકાસના નામે ઘર ભરવાની ભ્રષ્ટ ચેષ્ટા મહિલા કોલેજમાં પ્રમુખ દ્વારા આચરાઇ હોય ઉહાપોહ મચી જવા પામ્યો છે.

(3:40 pm IST)