સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st May 2018

જેટકોના મહિલા અધિકારીની જુનાગઢમાં હત્યાની ઉંડી તપાસ થવી જરૂરીઃ મહેન્દ્ર મશરૂ

હત્યા પાછળનું કારણ ગુઢ હોવાનું જણાવતા પૂર્વ ધારાસભ્ય

જુનાગઢ તા.૨૧: જેટકોના મહિલા અધિકારી મનીષાબેન વૈષ્ણવની હત્યાની ઉંડી તપાસ થવી જોઇએ તેમ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂએ ભારપુર્વક જણાવ્યું હતું.

ગઇકાલે શહેરમાં સંવાદ કોમ્પલેક્ષ પાસે સરાજાહેર નાગર મનીષાબેન વૈષ્ણવની જેતપુરના ફિરોજ ગફાર નામના શખ્સે કરેલી હત્યાથી સમગ્ર શહેર હચમચી ઉઠયું છે.

માણાવદર ખાતે જેટકો એકાઉન્ટ વિભાગમાં ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટની ફરજ બજાવતા મનીષાબેન વૈષ્ણવ તેમના પતિ હરીશભાઇ ઉર્ફે કાના ભાઇ નિરંજનભાઇ વૈષ્ણવ સાથે અલગ અલગ ટુ વ્હીલરમાં સંવાદ કોમ્પલેક્ષ પાસેથી જઇ રહયા હતા. ત્યારે અગાઉ જુનાગઢ રહેતો ફિરોજ ગફારે મનીષાબેનને છરી ઝીંકી દેતા તેમનું સ્થળ પર જ મોત થયું હતું.

મહિલા અધિકારીની હત્યાનું જાણવા મળતા તરત જ દોડી ગયેલા સેવાભાવી પૂર્વ ધારાસભ્ય મેહન્દ્રભાઇ મશરૂ ડો. ચિખલીયાની હોસ્પિટલે સારવાર માટે લઇ જઇ ત્યારે સતત ખડેપગે રહયા હતા.

 આજે સવારે શ્રી મશરૂએ અકિલા સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે, મરનાર મનીષાબેનની હત્યા પાછળનું કારણ ગુઢ છે.

તેમની હત્યા શા માટે થઇ તે સમજાતું નથી આથી મનીષાબેનની હત્યાની ઉંડી તપાસ થવી જોઇએ.

શ્રી મશરૂએ જણાવેલ કે, હત્યારો ફિરોજ ગફાર ગાંડો હોવાનું નાટક કરે છે. ત્રણ દિવસથી જુનાગઢ આવેલ અને રખડતો-ભટકતો હતો અને માર્કેટીંગ યાર્ડમાં દુકાનના ઓટા પર સુઇ જતો હતો.

હત્યારાએ તાજેતરમાં રૂ. ૧૨૦ની છરી પણ ખરીદેલ અગાઉ તે રીક્ષા ચલાવતો હતો. જે હોય તે પરંતુ મનીષાબેન ની હત્યાની ઉંડી તપાસ થવી જોઇએ અને સાચુ કારણ બહાર લાવવું જોઇએ તેમ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂએ જણાવ્યું હતું.

(3:39 pm IST)