સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st May 2018

માળીયામિંયાણા પાસે મર્ડર-લુંટમાં પકડાયેલ ડફેર ગેંગના બે સાગ્રીતોના રીમાન્ડ મંગાયા

મોરબી તા.૨૧: માળીયામિંયાણા પાસે ટ્રક ચાલકની હત્યા અને લુંટમાં પકડાયેલ ડફેર ગેંગના બે સાગ્રીતોને આજે રીમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરાનાર છે.

માળિયા હાઇવે પર તાજેતરમાં ટ્રક ચાલકોને માર મારી લૂંટી લેવાનો બનાવ નોંધાયો હતો જેમાં એક ટ્રક ચાલકનું ઢોર મારને પગલે મોત થયું હતું લૂંટ વિથ મર્ડરના આ બનાવ અંગે ઇન્ચાર્જ એસપી અક્ષય રાજ મકવાણા અને ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી ટીમે સઘન તપાસ ચલાવી સીસીટીવી ફુટેજની મદદથી શંકાસ્પદ ઇકો કાર નં.જીજે ૦૧ આરએન ૯૪૯૧ ને આંતરીને માળિયા ભીમસર ચોકડી પાસે ઝડપી લેતા કારમાં સવાર સંજયસિંહ ઉર્ફે મુન્નો ઘનશ્યામસિંહ દરબાર અને કિશન ચંદુભાઇ જાદવ કોળી રહે.બંને ગાંગડ તા.બાવળા જી.અમદાવાદ વાળાને ઝડપી લઇને પૂછપરછમાં લૂંટના ગુન્હાની કબુલાત આપી હતી બન્નેની સઘન પુછપરછ કરતા તેની લૂંટારૂ ગેંગના અન્ય નવ ઇસમોના નામો ખુલ્યા છે જેમાં જમાલ ઉર્ફે સલીમ દાઉદ ડફેર, રમઝાન દાઉદ ડફેર, લાલો કાવા ડફેર, કાવા દાઉદ ડફેર, હૈયાઝ દાઉદ ડફેર રહે. બધા ગાંગડ તેમજ કટિયા સુલેમાન ડફેર, આમદ મયુદીન ડફેર, અકબર સુમાર ડફેર અને સદામ ઇસ્માઇલ ડફેર રહે. દેવાળિયા તા.રાણપુર જીલ્લો બોટાદ વાળાના સાથે મળીને લુંટને અંજામ આપતા હોવાની કબુલાત આપી છે.

આરોપીઓ રાત્રીના સમયે સ્ત્રીનો વેશ ધારણ કરીને ટોર્ચનો ઉપયોગ કરી ટ્રક રોકાવતા બાદમાં ટ્રક ચાલકને બાંધી દઇને લૂંટ ચલાવતા હોવાની કબુલાત આપી છે.

ડફેર ગેંગના પકડાયેલ બંન્ને સાગ્રીતોને આજે રીમાન્ડ અર્થે કોર્ટમાં રજુકરાનાર છે તેમજ મુખ્ય સુત્રધાર જમાલ  સહિત સાત શખ્સોની શોધખોળ હાથ ધરાઇ છે.(૭.૧૩)

(12:26 pm IST)