સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st May 2018

જળ સંચયની કામગીરી માત્ર ૧૩ ટકા - તંત્રના રીપોર્ટ પછી મુખ્યમંત્રીની ટકોરને પગલે કચ્છ ભાજપે યોજી બેઠક

 ભુજ તા. ર૧ :.. કચ્છમાં જળ સંચયની ધીમી કામગીરીમાં વેગ આવે તે માટે જિલ્લા ભાજપે તાત્કાલીક બેઠક બોલાવી ને સંગઠનના સભ્યો, જિલ્લા તાલુકા પંચાયત, નગરપાલીકાના સભ્યો, મંડલના સભ્યો સહિત સૌને અને સુજલામ સુફલામ માટે કામે લાગી જવા અપીલ કરી હતી.

જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠક સંદર્ભે જિલ્લા ભાજપનાં મહામંત્રી અનિરૂધ્ધ દવેએ કહયું હતું કે કચ્છમાં જળસંચયની કામગીરી  ખૂબ જ સારી ચાલી રહી છે. જો કે, રાજયમંત્રી વાસણભાઇ આહીર અને કચ્છનાં પ્રભારી સચિવ જે. પી. ગુપ્તા જાહેરમાં કહી ચૂકયા છે કે જળસંચયની કામગીરી કચ્છમાં ધીમી છે. એમાં ઝડપ આવે તે માટે બધા જ સહયોગ આપે. ખુદ રાજયમંત્રી વાસણભાઇ આહીર કચ્છનાં તાલુકે તાલુકે પ્રવાસ કરીને વિવિધ ગામોમાં ચાલતી જળસંચયની પ્રવૃતિઓ નિહાળી રહ્યા છે. દરમ્યાન કચ્છ ભાજપની બેઠકમાં સંગઠનનાં કાર્યકરોએ કહયું હતું કે પીપીપી મોડેલ પ્રમાણે થતી આ કામગીરીમાં ઉદ્યોગો તેમને દાદ આપતા નથી. પરિણામે કામગીરી ધીમી ચાલે છે. કચ્છની આંકડાકીય વાત કરીએ તો જળસંચયની સુજલામ સુફલામ યોજનાનાં જોડેલ ઓફીસર અને સિંચાઇના અધિક્ષક ઇજનેર સોનકેસરીયાની સત્તાવાર યાદી પ્રમાણે કચ્છનાં દસ તાલુકામાં ૬૪૦ કામો કરવાના હતા.

 પરંતુ તે પ્લાન રીવાઇઝ કર્યા બાદ પર૩ કામો હાથ ધરાયા છે. જે પૈકી ૬૯ કામોમાં તળાવો ઉંડા કરવાનું કામ પુરૃં થયું છે એટલે કે ૧૩ ટકા જ કામગીરી પુર્ણ થઇ છે. જયારે  સિંચાઇ વિભાગનાં ૩૦૬ કામો, મનરેગા હેઠળનાં ૯૩ કામો, વન વિભાગનાં ૧૯ કામો, નગરપાલીકા હેઠળના ૧૬ કામો પ્રગતિમાં છે. જો કે, સત્તાવાર રીતે ચોમાસુ ૧૦ થી ૧ર જૂના દરમયાન બેસે તેમ હોઇ હવે માત્ર ૧૮ જ દિવસ બાકી હોઇ આ કામોમાં ઝડપ આવે તેવું મુખ્યમંત્રી વિજયભાઇ ઇચ્છતા હોઇ તંત્ર અને જિલ્લા ભાજપ હવે આ કામો પુર્ણ કરવા માટે પ્રયત્નશીલ બન્યા છે. (પ-૧૬)

(12:25 pm IST)