સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st May 2018

સૌરાષ્ટ્રભરમાં વિજકાપથી રોષઃ વાંકાનેરમાં ૩, કોડીનારમાં ૯ કલાક લાઈટ ગૂલ !

ધોમધખતા તાપમાં પણ પ્રજાને બાનમાં રાખતુ વિજતંત્રઃ રમઝાનના લીધે રોઝા રાખનારા મુસ્લિમો પણ પરેશાન

રાજકોટ, તા. ૨૧ :. સૌરાષ્ટ્રભરમાં વિજકાપ સામે રોષ પ્રવર્તી રહ્યો છે. રાજકોટમાં પણ ગમે ત્યારે વિજ સમસ્યા સર્જાતી રહે છે. કાળઝાળ ગરમીમાં પ્રજાને વિજતંત્ર બાનમાં રાખી રહ્યુ છે. હાલમાં વાંકાનેર ૩ અને કોડીનારમાં ૯ કલાક લાઈટ ગૂલ થવા પામી હતી. બીજી તરફ રમઝાન માસ ચાલતો હોય રોઝા રાખનારા લોકો પરેશાન થઈ ગયા છે.

કોડીનાર

કોડીનાર શહેરભરમાં છેલ્લા કેટલાક સમયથી વિજતંત્ર દ્વારા મેઈન્ટન્સના બહાને દર શનિવારે વિજકાપ ઝીંકી શહેરને રીતસર બાનમાં લેવામાં આવી રહ્યુ છે. હાલ ભરઉનાળે પણ આખુ વર્ષ વિજકાપ ઝીંકવા છતા દર શનિવારે કલાકોનો વિજકાપ લોકોના માથે મારવામાં આવી રહ્યો છે.

કોડીનાર શહેરમાં હાલ મુસ્લીમોનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો હોય ત્યારે વિજતંત્ર દ્વારા રીતસર રોઝદારો ઉપર આતંક મચાવ્યો હોય તેમ શનિવારે સવારે ૭.૩૦ કલાકથી વિજકાપ ઝીંકી સાંજના ૪.૩૦ કલાકે પણ વિજ પુરવઠો ચાલુ થયો ન હોય ભરઉનાળે ૯ કલાકથી વધુના વિજકાપના લીધે રોઝદારોની હાલત દયનીય બની છે. કોડીનાર વિજતંત્ર દ્વારા દર શનિવારે વિજકાપ ઝીંકવા છતા પણ અન્ય દિવસોમાં વિજધાંધીયા વધી રહ્યા છે ત્યારે વિજતંત્રના અધિકારીઓની આવી અણઆવડતના કારણે સમગ્ર શહેરીજનોએ આકરા તાપમાં વિજકાપ કરવનો વારો આવતો હોય લોકોમાં ભારે રોષની લાગણી જન્મી છે.

કોડીનારમાં અન્ય સમાજના શુભ પ્રસંગે શનિવારે વિજકાપ રદ કરવામાં આવી શકે તો પવિત્ર રમઝાનમાં વિજકાપ રદ ન થઈ શકે ? તેવો લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે. લોક ચર્ચા મુજબ કોડીનારના મુસ્લિમ આગેવાનોએ સમાજના આવા પ્રશ્નો માટે આગળ આવી રજૂઆતો કરી લડત ચલાવવી જોઈએ તેના બદલે આ લોકો મૌન રહી તમાસો જોઈ રહ્યા હોવાનું લોકોમાં ચર્ચાઈ છે ત્યારે જો વિજતંત્ર દ્વારા હજુ વધુ વિજકાપ ચાલુ રહેશે તો લોકો કહેવાતા આગેવાનોને સાઈડલાઈન કરી વિજતંત્ર સામે લડતના મંડાણ કરનાર હોવાનું જાણવા મળે છે.

વાંકાનેર

 વાંકાનેરમાં સવારથી જ ગરમી અને તાપમાનના પ્રમાણ વચ્ચે વાંકાનેરનું પીજીવીસીએલ તંત્ર રીપેરીંગના બહાના હેઠળ ત્રણ ત્રણ કલાક વીજ પુરવઠો બંધ રાખી પ્રજાને બાનમાં રાખી રહ્યુ છે.

વાંકાનેરમાં દર બુધવારે સવારથી બપોર સુધી વીજ પુરવઠો બંધ રાખી જરૂરી કામગીરી કરવામાં આવતી હોય છે તે પ્રજાજનો જાણે છે અને એક દિવસ માટે બપોરના બે વાગ્યા સુધી પાવરકાપ સહન કરી લ્યે છે.

પરંતુ છેલ્લા બે દિવસથી તો થોડી થોડીવારે વિજ પુરવઠો ખોરવાય જાય - પુનઃ સ્થાપીત થાય.. વિજળી ચાલુ-બંધ થવાથી ઈલેકટ્રીક ઉપકરણોને પણ નુકશાન થતુ હોય છે ત્યારે ગઈકાલે રવિવારે સવારે સવા નવેક વાગ્યે જડેશ્વર રોડ ઉપર ડેરી ફીડર હેઠળમાં આવતો આખા વિસ્તારમાં વિજળી સપ્લાય બંધ થઈ જતા પ્રજા પરસેવે રેબઝેબ હતી.

ડેપ્યુટી એન્જી. દતાણીનો ફોન ઉપર સંપર્ક સાધતા દિવાનપરામાં આવેલ ઓફિસેથી જાણવા મળેલ કે ટી.સી. બદલવાની કામગીરી ચાલતી હોવાથી વિજ પુરવઠો બંધ છે. ખરેખર આવી કામગીરી બુધવારે પાવર કાપ રખાય છે ત્યારે કરવી જોઈએ. સવારે સવા નવ વાગ્યે વિજ પુરવઠો બંધ કરવામાં આવેલ જે સાડા ચાર વાગ્યે પુનઃ સ્થાપીત થયો હતો. આવા પીજીવીસીએલના ધાંધીયાથી પ્રજાજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.(૨-૭)

(12:22 pm IST)