સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st May 2018

મુન્દ્રા-કચ્છમાં ઇલેકટ્રીક બસ ઉત્પાદન! અદાણીનો મહત્વાકાંક્ષી પ્રોજેકટ

ટેકનોલોજિકલ જોડાણ માટે તાઇવાનની કંપની સાથે વાટાઘાટઃ દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર જેવાં રાજયો અને પુણે જેવા શહેરોએ ઇલેકટ્રીક બસ માટે બલ્ક ખરીદીના ટેન્ડર બહાર પાડયાં છે અથવા બહાર પાડવાની તૈયારીમાં છેઃ ૫૦ થી વધુ વાહનની ખરીદીને પોલીસીમાં પ્રોત્સાહન રૂ. ૨,૫૦૦ કરોડ ત્રણ વર્ષમાં ઇલેકટ્રીક બસ સેગમેન્ટની સબસીડી

 ગોૈતમ અદાણીની અદાણી એન્ટરપ્રાઇઝિસ ઇલેકટ્રીક બસ ઉત્પાદનમાં મોટા પાયે પ્રવેશ કરવાની છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. અદાણી જુથ ગુજરાતમાં મુંદ્રા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં એક મેન્યુફેકચરિંગ બેઝ  સ્થાપવા વિચારે છે. ટેકનોલોજિકલ જોડાણ માટે હાલમાં તે તાઇવાનની એક ઇલેકટ્રીક બસ ઉત્પાદન સાથે વાતચીત કરે છે.

નિષ્ણાંતોએ કહયું કે વિદેશી કંપની સાથે મળીને અદાણી ઇલેકટ્રીક બસ ઉત્પાદનમાં પ્રવેશે તો ભારતમાં આ સેગમેન્ટનું ચિત્ર બદલાઇ જશે. હાલમાં ઇલેકટ્રીક બસ ઉત્પાદનમાં ટાટા, મોટર્સ, અશોક લેલેન્ડ, જેબીએમ ગ્રૃપ અને મહિન્દ્રા સક્રિય છે ચીનની બીવાયડીએ હૈદરાબાદ સ્થિત ગોલ્ડસ્ટોન ઇન્ફ્રાટેક સાથે જોડાણ કરીને ભારતમાં ઇલેકટ્રીક બસ માર્કેટમાં હાજરી નોંધાવી છે.

અદાણી ગ્રુપના પ્રવકતાએ કહયું હતુંકે તેઓ બજારની અટકળો પર ટિપ્પણી કરતા નથી. હિલચાલથી વાકેફ વ્યકિતએ કહયું કે, ''અદાણી મુંદ્રા સેઝમાં એક ઉત્પાદન સુવિધા સ્થાપવા માંગે છે તે ભારતીય બજાર માટે ઉત્પાદન કરશે અને આફ્રિકા તથા મધ્યપૂર્વના બજારમાં નિકાસ કરશે. કંપની બેટરી સ્વેપિંગ મોડલ અંગે વિચારી રહી છે.''

એક સૂત્રે કહયું કે, ''કંપનીઓ ભારતીય અને વિદેશી બજારોનું વિશ્લેષણ કરી રહી છે. ઇલેકટ્રીક કાફલા તરફ શિફટ થવાાની પ્રાથમિકતાને ધ્યાનમાં રાખતા તેમાં પુષ્કળ સંભાવના રહેલી છે.'' બ્લૂ કેનોપી કન્સલ્ટન્ટ્સના સલાહકાર જોય નંદીએ જણાવ્યું કે, ભારતમાં ઇલેકટ્રીક બસ માર્કેટની હજુ શરુઆત જ થઇ છે અને તેમાં સરકારી ટેન્ડરનો પ્રભાવ છે. અત્યાર સુધીમાં બીવાયડી અને ટાટા મોટર્સ સિવાય કોઇને ફાયદો નથી થયો. અન્ય કંપનીઓ હજુ સક્રિય થઇ નથી. અને નવી કંપનીઓ માટે પુરતો અવકાશ છે.'' નંદીએ જણાવ્યું કે અદાણી જેવી સ્થાપિત કંપનીઓ બજારના મોટા ભાગના અવરોધ દુર કરી શકે છે અને તેમણે ઇમ્પોર્ટના રૂટ નકકી કર્યા છે.(૧.૫)

ગુજરાતમાં ઉત્પાદનની યોજના

 અદાણી જુથ મુંદ્રા SEZ માં એક મેન્યુફેકચરિંગ બેઝ સ્થાપવા વિચારે છે

 જુથ ટેકનોલોજિકલ જોડાણ માટે હાલમાં તાઇવાનની એક ઇલેકટ્રીક બસ ઉત્પાદક સાથે વાટાઘાટમાં છે

 જુથ ભારતીય બજાર માટે ઉત્પાદન કરશે. આફ્રિકા તથા મધ્યપૂર્વના બજારમાં નિકાસ કરે તેવી શકયતા છે.

 

(10:51 am IST)