સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st May 2018

જળ અભિયાન થકી જળ સંગ્રહની ક્ષમતા વધતા ગુજરાતની આવતીકાલ સુખદ બનશે : આર. સી. ફળદુ

અમરેલી જિલ્લાના જાફરાબાદ - ખાંભા તાલુકામાં તળાવ ઉંડા ઉતારવા કામગીરી

અમરેલી તા. ૨૧ : ગ્રામવિકાસ મંત્રી અને અમરેલી જિલ્લા પ્રભારીમંત્રી આર.સી. ફળદુએ, અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કડિયાળી, હેમાળ, છેલણા, ટીંબી તેમજ ખાંભાના પીપળવા અને જીકીયાળી ગામ ખાતે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત થઇ રહેલા તળાવ ઉંડા ઉતારવાની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતુ.

કૃષિ-ગ્રામવિકાસ મંત્રી અને અમરેલી જિલ્લા પ્રભારી મંત્રી આર.સી. ફળદુએ કહ્યું કે, આ અભિયાન થકી જળસંગ્રહની ક્ષમતામાં વધારો થતાં ગુજરાત રાજયની આવતીકાલ સુખદ બનશે. સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત થઇ રહેલા દીર્ઘદ્રષ્ટિભર્યા વિકાસકામોને લીધે ભાવિ પેઢીને ફાયદો થશે. જળસંગ્રહ વધારવાના કામમાં લોકોનો સહકાર મળતાં, ખેતીની જમીનને વધુ ફાયદો થશે.

મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, સમગ્ર રાજયમાં જળસંગ્રહને સંલગ્ન કાર્યો થઇ રહ્યા છે. આ કામોને લીધે વરસાદી પાણીનો વધુ સંગ્રહ થશે તેમજ નીકળેલા કાંપથી ખેતીની જમીનને વધુ ફાયદો થશે. રાજય સરકારે ગ્રામવિકાસ અને કિસાનલક્ષી વિકાસકાર્યોને મહત્વ આપ્યું છે.

મંત્રીશ્રીએ ખાંભાના જીકીયાળી ખાતે કોઝ-વેના દાતા રમણિકભાઇ ચતુરભાઇ નસીત અને વાલજીભાઇ શામજીભાઇ નસીત સાથે ચર્ચા-વિચારણા કરી હતી.

રાજુલા-જાફરાબાદના પૂર્વ ધારાસભ્ય હિરાભાઇ સોલંકીએ કહ્યું કે, રાજય સરકારે સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ કરી હયાત તળાવો-જળાશયો-નદી ઉંડી ઉતારવાની કામગીરી થકી  જળસંગ્રહ ક્ષમતામાં વધારો થશે. જેના લીધે જળસ્તર ઉંચા આવશે અને ખેતીમાં પણ વધુ પાક લઇ શકાય તેવી સ્થિતિનું સર્જન થશે.   

જિલ્લા ભાજપ પ્રમુખશ્રી હિરેનભાઇ હિરપરાએ કહ્યું કે, રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ સુજલામ સુફલામ જળ અભિયાન એ ભગીરથ કાર્ય છે. જિલ્લાના તળાવો, ખેત-વનતલાવડીઓ, નદીઓને ઉંડી ઉતારવાની કામગીરી શરૂ છે. ભૌગોલિક સ્થિતિ મુજબ અમરેલી જિલ્લામાં વધુમાં વધુ વરસાદી પાણીનો સંગ્રહ થાય તે પણ એટલું જ આવશ્યક છે.

આ પ્રસંગે પૂર્વ કૃષિમંત્રીશ્રી વી.વી. વઘાસીયા, માર્કેટ યાર્ડના ચેરમેનશ્રી ચેતનભાઇ શિયાળ, શ્રી રવુભાઇ ખુમાણ, શ્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયા, શ્રી મહેશભાઇ કસવાળા, મદદનીશ ખેતી નિયામકશ્રી નારોલા સહિતના અધિકારી-પદાધિકારી-મહાનુભાવો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. 

અમરેલી જિલ્લામાં તા.૧૭ મે-૨૦૧૮ સુધીમાં તળાવ-ચેકડેમ અને નદી ઉંડા ઉતારવા સહિતના ૫૫૮ કામોનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી અમરેલી તાલુકામાં ગ્રામ્યકક્ષાએ ૧૬ અને શહેરીકક્ષાના ૯ એમ કુલ ૨૫ કામો શરૂ થયા છે અને ૧૦ કામો પૂર્ણ થયા છે. જયારે વડીયા-કુંકાવાવ તાલુકામાં ૧૨ કામો શરૂ કરેલ તે પૈકી ૩ કામો પૂર્ણ થયા છે.     

લાઠી તાલુકામાં ગ્રામ્યકક્ષાએ ૧૩ અને શહેરીકક્ષાના ૧૨ એમ કુલ ૨૫ કામો શરૂ થયા છે જે પૈકી ૮ કામો પૂર્ણ થયા છે. બાબરા તાલુકામાં ગ્રામ્યકક્ષાએ ૮  અને શહેરીકક્ષાના ૭ એમ કુલ ૧૫ કામો શરૂ થયેલ તે પૈકી ૯ કામો પૂર્ણ થયા છે.

ધારી તાલુકામાં ગ્રામ્યકક્ષાએ ૫  અને શહેરીકક્ષાના ૧૦ એમ કુલ ૧૫ કામો શરૂ થયા છે અને ૮ કામો પૂર્ણ થયા છે. બગસરા તાલુકામાં ગ્રામ્યકક્ષાએ ૧૧  અને શહેરીકક્ષાના ૯ એમ કુલ ૨૦ કામો શરૂ થયા છે અને ૬ કામો પૂર્ણ થયા છે.

રાજુલા તાલુકામાં ગ્રામ્યકક્ષાએ ૭ અને શહેરીકક્ષાના ૫ એમ કુલ ૧૨ કામો શરૂ થયા છે અને ૭ કામો પૂર્ણ થયા છે. જાફરાબાદ તાલુકામાં ગ્રામ્યકક્ષાએ ૬  અને શહેરીકક્ષાના ૧૫ એમ કુલ ૨૧ કામો શરૂ થયા છે અને ૧૫ કામો પૂર્ણ થયા છે. ખાંભા તાલુકામાં કુલ ૭ કામો શરૂ કરેલ તે પૈકી ૨ કામો પૂર્ણ થયા છે.

સાવરકુંડલા તાલુકામાં ગ્રામ્યકક્ષાએ ૧૧ અને શહેરીકક્ષાના ૧ એમ કુલ ૧૨ કામો શરૂ થયા છે અને ૪ કામો પૂર્ણ થયા છે. જયારે લીલીયા તાલુકામાં ૬ કામો શરૂ કરતા પ કામો પૂર્ણ થયા છે.   

આમ, જિલ્લામાં ૧૭૦ કામો અને મનરેગા યોજના તળે ૮૦ કામો મળી કુલ ૨૫૦ કામો શરૂ કરવામાં આવેલ તે પૈકી ૭૭ કામો પૂર્ણ થયા છે.

સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લામાં ૧૪૮ જે.સી.બી., ૩૫૧ ટ્રેકટર્સ-ડમ્પર, ૭ હિટાચી સહિતની મશીનરીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 

જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તા.૧૭ મે-૨૦૧૮ની સ્થિતિએ, વોટરશેડના ૧૫ તળાવ અને ૧૨ ચેકડેમ, જી.એલ.ડી.સી.ના ૮૦ તળાવ, પંચાયત સિંચાઇના ૮૧ તળાવ તેમજ રાજય સિંચાઇના ૭૨ ચેકડેમના કામો મંજૂર થયેલ છે. ૧૫૬ તળાવો અને ૮૪ ચેકડેમના કામો મળી કુલ ૨૬૦ કામો મંજૂર થયેલ છે.

જે પૈકી ૭૨ તળાવ અને ૩૦ ચેકડેમના કામો શરૂ થયા છે અને ૧૫ તળાવ તથા ૧૪ ચેકડેમના કામો પૂર્ણ થયા છે. જેમાંથી અનુક્રમે ૪૯,૬૦૦ ઘનમીટર અને ૧૫,૯૫૦ ઘનમીટર મળી કુલ ૬૫,૫૦૦ ઘનમીટર માટીકામ થયેલ છે. હાલમાં ૪૮ તળાવો તથા ૨૫ ચેકડેમના કામો પ્રગતિ તળે છે. જયારે વન વિભાગના ૧૯ કામો મંજૂર થયેલ હોય પ્રગતિ તળે છે.    

જિલ્લામાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે લાઠી તાલુકાના ઝરખીયા ગામે મનરેગા યોજના હેઠળ તળાવ ઉંડું કરવાની કામગીરીનો પ્રારંભ કરાવેલ. સમગ્ર જિલ્લામાં મનરેગા યોજના હેઠળ ૮૦ કામો શરૂ હોય અત્યાર સુધીમાં ૯૩,૫૫૬ માનવદિનને રોજગારી પૂરી પાડવામાં આવેલ છે.(૨૧.૩)

 

(9:23 am IST)