સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st April 2021

રાજુલામાં ભાજપના નેતાના ફોટો ઓક્સીજન સિલિન્ડર ઉપર લગાવવામાં આવતા વિવાદ : બાટલા બદલાઇ ના જાય તે માટે અલગ ઓળખ ઉભી કરવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો હતો: હીરાભાઈ સોલંકી : આ ઓક્સીજન સિલિન્ડર જાફરાબાદની નર્મદા સિમેન્ટ કંપની તરફથી આપવામાં આવ્યા છે. લોકોને સારવાર માટે ઉપયોગી સિલિન્ડરમાં રાજકીય નેતા પોતાનું પોસ્ટર લગાવે તે યોગ્ય નથી : કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર

રાજુલા: રાજ્યમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે બીજી તરફ નેતાઓ સેવાના નામે સસ્તી પ્રસિદ્ધિ મેળવવામાં લાગ્યા છે. રાજુલામાં ભાજપના નેતાના ફોટો ઓક્સીજન સિલિન્ડર ઉપર લગાવવામાં આવતા વિવાદ થયો છે.

ભાજપના નેતા અને પૂર્વ સંસદીય સચિવ હિરાભાઇ સોલંકીની તસવીરો ધરાવતા પોસ્ટર ઓક્સીજન સિલિન્ડર ઉપર લગાવવામાં આવતા રાજકારણ ગરમાયુ છે. કોરોના કાળમાં પણ રાજકીય નેતાઓ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે એક પણ તક છોડતા નથી. ઓક્સીજનના સિલિન્ડર પર ભાજપના નેતાની તસવીર પર રાજુલાના કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેરે કહ્યુ કે, આ ઓક્સીજન સિલિન્ડર જાફરાબાદની નર્મદા સિમેન્ટ કંપની તરફથી આપવામાં આવ્યા છે. લોકોને સારવાર માટે ઉપયોગી સિલિન્ડરમાં રાજકીય નેતા પોતાનું પોસ્ટર લગાવે તે યોગ્ય નથી.

જોકે, વિવાદ થયા બાદ ભાજપના નેતા હિરાભાઇ સોલંકી બચાવ કરતા નજરે પડ્યા હતા. હિરા સોલંકીએ કહ્યુ કે, નર્મદા સિમેન્ટ તરફથી જે સિલિન્ડર મળ્યા છે તે ઇન્ડસ્ટ્રીલ ઓક્સીજન સિલિન્ડર છે, તેને ઉપયોગમાં લીધા નથી. અલંગથી મનીષ શઆહે જે સિલિન્ડર આપ્યા છે તે ખાલી સિલિન્ડર અમે શિહોરમાં રીફીલીંગ કરાવ્યા છે. ઓક્સીજન સિલિન્ડર જે ઘરે ઘરે આપવાના છે, તેના ઉપર જ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. બાટલા બદલાઇ ના જાય તે માટે અલગ ઓળખ ઉભી કરવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો હતો, પ્રસિદ્ધિનો કોઇ મુદ્દો જ નથી.

(4:01 pm IST)