સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st April 2021

જૂનાગઢમાં રૂ. ૮૯ લાખનું સોનું લઇ બે બંગાળી કારીગર ફરાર : જ્વેલર્સોમાં ખળભળાટ

આખરે બંને સામે ૧,૯૮૪ કિ.ગ્રા. સોનાની ચોરીની ફરિયાદ

જૂનાગઢ તા. ૨૧ : જૂનાગઢમાં રૂ. ૮૯ લાખનું સોનું લઇ બે બંગાળી કારીગર ફરાર થઇ જતા જ્વેલર્સોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

આ અંગે આખરે પોલીસે રાત્રે ૧,૯૮૪ કિ.ગ્રા. સોનાની ચોરીની ફરિયાદ લઇ બંને કારીગરની શોધખોળ હાથ ધરી છે. છાયા બજાર રંગમહેલ સામે એન.કે.શેઠવાળી ગલીમાં માંડલીયા જ્વેલર્સ નામનું સોનાના દાગીના બનાવવાનું કારખાનુ આવેલ છે.

આ કારખાનામાં વેસ્ટ બંગાળના અને હાલ જૂનાગઢમાં અંજતા ટોકીઝ પાસે આવેલ સ્ટાર પેલેસમાં રહેતો અબ્દુલફિરોઝ અબ્દુલઆજીમ અને સમ્રાટ અજીત નામના શખ્સો સોનાના દાગીના બનાવવાનું કામ કરતા હતા.

પરંતુ ગત તા. ૧૯ની બપોરના બે વાગ્યાથી સાંજના ચાર વાગ્યા દરમિયાન આ બંને બંગાળી કારીગર કારખાના પર આવેલ અને લોખંડની ગ્રીલમાં લગાવેલ તાળુ તોડી બાદમાં કારખાનાના લાકડાના દરવાજાનો નકુચો તોડી બંને જણા કારખાનામાં પ્રવેશ્યા હતા.

બાદમાં અબ્દુલ ફિરોજ અને સમ્રાટ અજીત કારખાનામાં સોનુ ઘડવાના બાકડાઓમાંથી રૂ. ૮૯ લાખ ૪૧૯ની કિંમતનું ૧૯૮૪ કિલોગ્રામ કાચુ સોનુ ચોરીને નાસી ગયા હતા.

આ અંગે માંડલીયા જ્વેલર્સના કિરીટભાઇ પ્રતાપભાઇ માંડલીયાએ એ-ડીવીઝન પોલીસને જાણ કરી હતી.

દરમિયાન ગઇકાલે રાત્રે પોલીસે બંને બંગાળી કારીગર સામે કલમ ૩૧૮ અને ૧૧૪ મુજબ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વિશેષ તપાસ એ-ડીવીઝનના ઇન્ચાર્જ પી.આઇ. એન.આર.પટેલ ચલાવી રહ્યા છે.

કોરોના કપરા કાળમાં ધંધા - રોજગાર વેપારને ખૂબ જ અસર થઇ છે ત્યારે જૂનાગઢમાં બે બંગાળી કારીગર રૂ. ૮૯ લાખની કિંમતના સોનાનો હાથફેરો કરીને ફરાર થઇ જતા જૂનાગઢની સોની આલમમાં સનસનાટી સાથે હલચલ મચી ગઇ છે.

દરમિયાન પોલીસે ત્વરિત તપાસ હાથ ધરતા બંને બંગાળી કારીગર તેના જૂનાગઢ ખાતેના સરનામા પર હાજર મળી આવ્યા ન હતા. બંનેને ઝડપી લેવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

(12:52 pm IST)