સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st April 2021

મોરબીમાં રેમડેસીવીર ઇન્જેકશન ન મળતા દર્દીઓના સગાઓ દ્વારા કલેકટર બંગલા સામે ધરણા

વી.સી. હાઇસ્કૂલ ખાતેનું સેન્ટર બંધ કરાતા રોષે ભરાયેલા લોકો કલેકટર બંગલે દોડી ગયા : પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૧ : મોરબીમાં રેમડેસીવીર ઇન્જેકશન ન મળતા રોષે ભરાયેલા દર્દીઓના સગા કલેકટર બંગલે દોડી ગયા હતા. જયાં તેઓ દ્વારા ધરણા શરૂ કરવામાં આવ્યા હતા. તેઓએ જયાં સુધી ઇન્જેકશન નહિ મળે ત્યાં સુધી ન હટવાનું જણાવતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

મોરબી જિલ્લામાં કોરોનાના કેસો મોટા પ્રમાણમાં છે. સામે રેમડેસીવીર ઇન્જેકશનનો જથ્થો ઓછો ફાળવવામાં આવતો હોય તંત્ર દ્વારા હોમ આઇસોલેટ દર્દીઓને આજથી રેમડેસીવીર ઇન્જેકશન ન વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉપરાંત આજથી વી.સી. હાઇસ્કૂલ ખાતેનું સેન્ટર પણ બંધ કરવામાં આવ્યું છે.

જેને પગલે આજ વહેલી સવારથી વી.સી. હાઇસ્કૂલ ખાતે લાઈનમાં રહેલાં દર્દીઓના સગાઓમાં ભારે રોષ ફેલાયો હતો. આ તમામ લોકો કલેકટર બંગલે દોડી ગયા હતા. જયાં હોબાળો મચાવીને તેઓએ ઘરણા શરૂ કર્યા છે. જયાં સુધી રેમડેસીવીર ઇન્જેકશન ન મળે ત્યાં સુધી તેઓ ત્યાંથી હટશે નહિ તેવું લોકોએ જણાવ્યું હતું. આ બનાવને પગલે કલેકટર બંગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

(11:02 am IST)