સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 21st March 2023

મોરબી: ‘તને બહુ હવા છે’ કહી જીઆરડી જવાન ઉપર બે શખ્સોએ હુમલો કર્યો.

ઈજાગ્રસ્ત જવાને મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

મોરબીના વિધ્યનગર નજીક બે શખ્સોએ જીઆરડી જવાન ઉપર ‘તને બહુ હવા છે’ કહી છરી વડે હુમલો કર્યો હતો. આ મામલે ઈજાગ્રસ્ત જવાને મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મોરબીના હરિપાર્કમાં રહેતા જીઆરડી જવાન યોગેન્દ્રસિંહ હરદેવસિંહ જાડેજાએ યુવરાજસિંહ વિક્રમસિંહ ગોહિલ અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે એકાદ મહિના પહેલા આરોપી યુવરાજસિંહ યોગેન્દ્રસિંહના ઘર પાસે શેરીમાં ગાળો બોલતા હોય જેથી યોગેન્દ્રસિંહે તેને ગાળો બોલવાની ના પાડી હતી.
તારીખ ૧૯ ના રોજ રાતના અગ્યાર વાગ્યે જયારે યોગેન્દ્રસિંહ પોતાની નોકરી રવીરાજ ચોકડીએ હતા. ત્યારે તેમને પેટમાં દુખાવો થતા તેઓ પોતાનું મોટર સાયકલ રજી નંબર GJ 36 F 7091 લઇને ઘરે જવા નીકળ્યા હતા. એ સમયે વિધુત નગરના ઢાળીયે રાત્રીના સાડા બારેક વાગ્યે પહોંચતા એકટીવામાં યુવરાજસિંહ અને અન્ય આરોપી ત્યાં ધસી આવ્યા હતા. જૂની અદાવતનો ખાર રાખી યુવરાજસિંહે કહ્યું હતું કે,મોટર સાયકલ બાજુમાં ઉભું રાખ, કેમ તને બહુ હવા આવી ગયેલ છે’ તેમ કહ્યું હતું અને બન્નેએ યોગેન્દ્રસિંહને ગાળો આપી હતી.
હજુ યોગેન્દ્રસિંહ કંઈ સમજે એ પહેલા જ યુવરાજસિંહે તેના પેન્ટના નેફામાંથી છરી કાઢી તટેમને માથામાં મારવા જતા યોગેન્દ્રસિંહ નમી જતા છરી તેમને માથાના ડાબી બાજુએ વાગી હતી અને બીજો ઘા મારવા જતા યોગેન્દ્રસિંહએ છરી પકડી લેતા છરીના ઘસરકા તેમની હથેળીમાં વાગ્યા હતા. અને તેઓ પડી જતા યુવરાજસિંહે તેમને છરીના ત્રણ ઘા માર્યા હતા જયારે અન્ય ઇસમે તેમને માર માર્યો હતો. જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(10:09 pm IST)