સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 21st March 2020

કચ્છમાં કોલસાના ગેરકાયદે કારોબારમાં યુવાનની હત્યા

 ભુજ તા. ૨૧ : કચ્છમાં ઝાડીઓ તેમજ ગાંડો બાવળ કાપીને બનાવાતા ગેરકાયદે કોલસા બનાવવાનો કાળો કારોબાર હંમેશા ચર્ચામાં રહ્યો છે. તે દરમ્યાન લખપત તાલુકાના રફાળેશ્વર પાસે કોલસાની ભઠ્ઠી એક સ્થળેથી બીજે સ્થળે ખસેડવા માટે માથાકૂટ થતાં સમીર ઉર્ફે નસીબ હાજી નકુમે તેની સાથે કામ કરતા ૩૫ વર્ષીય અયુબ સાલે સંઘારને બાવળના લાકડા વડે માથામાં જોરદાર ફટકો માર્યો હતો. જેના કારણે અયુબ લોહીલુહાણ થઈ ગયો હતો.

આ બનાવને પગલે ત્યાં સમજાવટ માટે જુમાભાઈ જત અને અયુબના મોટાભાઈ રમજાન સંઘાર પહોંચ્યા હતા. ત્યારબાદ ઘાયલ અયુબને પાટા પીંડી કરી સૌએ સાથે ચા પીધી પણ તે દરમ્યાન જ અયુબ એકાએક ઢળી પડ્યો હતો. તેને ફરી હોસ્પિટલમાં લઈ જવાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.

પીએમ રિપોર્ટમાં તેને માથામાં ઘા ના કારણે મોત થયું હોવાનું ખુલાસો થતાં તેને મારનાર સમીર ઉર્ફે નસીબ નકુમ વિરુદ્ઘ મૃતકના ભાઈએ દયાપર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાવ્યો છે. દયાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(10:48 am IST)