સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 21st March 2019

ગોહિલવાડ પંથકમાં આસ્થા અને ઉમંગભેર હોળી તહેવારની ઉજાવણી : બાળકો -યુવાનો કલર છાંટીને રંગે રમ્યા ધુળેટી

હોલીકા દહન કરાયા બાદ પૂજન અર્ચન કરવા સાથે હોળીની પ્રદક્ષીણા કરી

ભાવનગર :શહેર જિલ્લા સહિત સમગ્ર ગોહિલવાડ પંથકમાં આસ્થા અને ઉમંગભેર હોળીનાં તહેવારની ઉજવણી કરાઈ હતી ઠેર-ઠેર છાણાની હોળી બનાવી તેમાં અબીલ ગુલાલનાં છાંટણા નાખવા સાથે પતંગ, ફુલોનો શણગાર કરી રાત્રીનાં સમયે હોલીકા દહન કરવામાં આવ્યું હતું અને ભાવિકોએ પૂજન અર્ચન કરવા સાથે હોળીની પ્રદક્ષીણા કરી હતી.

 સમગ્ર ગોહિલવાડ પંથકની સાથે ભાવનગર શહેર-જિલ્લામાં આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. પૌરાણીક જિલ્લામાં આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરનાં વિવિધ વિસ્તારોમાં છાણાની હોળી બનાવવામાં આવી હતી અને કલાત્મક રંગોળીઓ સાથેનો શણગાર કરવામાં આવ્યો હતો અને રાત્રીનાં સમયે હોળીનું દહન, કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ ગ્રાઉન્ડ નવાપરા ખાતે તૈયાર કરાયેલ હોળીનું આઈ.જી., એસ.પી. સહિતે પુજન, અર્ચન કરી પ્રગટાવાઈ હતી.

   શહેરમાં ઠેર ઠેર હોળી પ્રગટાવાયા બાદ તેમાં ભાવિકોએ ધાણી, દાળીયા, ખજુર તેમજ શ્રીફળ પધરાવ્યા હતા અને સળગતી હોળીની પાણીની ધારવાળી સાથે પ્રદક્ષીણા કરી હતી લોકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી હોળીનાં દર્શન કર્યા હતા જ્યારે લોક વાયકા પ્રમાણે હોળીની જાળ કઈ દીશા તરફ ફંટાઈ છે તેનાં ઉપર આગામી વર્ષનો વરતારો આવતો હોય છે. આજે હોળી પર્વ મનાવ્યા બાદ આજે રંગોત્સવનો તહેવાર ધુળેટી મનાવ્યો હતો બાળકો યુવાન અને વડીલો એક બીજાને કલર છાંટી ઉજવણી કરી હતી જ્યારે કેટલાક લોકો અબીલ ગુલાલ સાથે ધુળેટી પર્વ મનાવ્યો હતો

(10:57 am IST)