સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st March 2018

કલેકટર દ્વારા ઇસરાના લીઝ હોલ્ડરને ૪૦ લાખ દંડ વસુલવા નોટીસ ફટકારાઇ

ધોરાજી ઉપલેટા પંથકમાં ખનીજ ચોરી રોકવા

ધોરાજી તા.ર૧: રાજકોટ જીલ્લા કલેકટર વિક્રાત પાન્ડેએ ધોરાજી ઉપલેટા રેતી ખનીજ ચોરી ડામવા સઘન ઝુંબેશ હાથ ધરીને ઇસરાના લીઝ હોલ્ડરને લીઝ વિસ્તાર સિવાય અન્ય જગ્યાએ ગેરકાયદે ખનીજ ખોદકામ કરવા મામલે ૪૦ લાખ ૪૩ હજારનો દંડ વસુલવા કારણદર્શક નોટીસ ફટકારતા લીઝ હોલ્ડરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ અંગે જાણવા મળેલી માહિતી મુજબ ઇસરા ગામે ભાદર નદી વિસ્તારમાં રેતી ખનીજની લીઝ ધરાવતા લીઝ હોલ્ડર લીઝ વિસ્તાર સિવાય અન્ય જગ્યાએ ગેરકાયદે ખનીજ ખોદકામ કરી રોયલ્ટી પાસ આપતાં હોવાની ફરિયાદ ગ્રામજનોએ જીલ્લા કલેકટર વિક્રાત પાન્ડેને કરતા જીલ્લા કલેકટરએ આ મામલે નાયબ કલેકટરે ધોરાજી તથા મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી ખાણ ખનીજ વિભાગ પાસે સ્થળ સ્થિતીની તપાસ કરાવતાં ઇસરાના લીઝ હોલ્ડર દ્વારા પોતાની લીઝ વિસ્તાર સિવાય અન્ય જગ્યાએ ગેરકાયદે ખનીજ ખોદકામ કરી રોયલ્ટી પાસનો ઉપયોગ કરીને કરાર ખંતનો ભંગ કર્યો હોવાનું તપાસમાં ખુલતા જીલ્લા કલેકટર દ્વારા ૪૦ લાખ ૪૩ હજારનો દંડ શા માટે વસૂલવો નહીં તેની કારણ દર્શક નોટીસ ફટકારતા લીઝ હોલ્ડરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ અંગે ધોરાજી નાયબ કલેકટર તુષાર જોષીનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે ઇસરા ગામે ભાદર નદી લીઝ મામલે ગ્રામજનોની ફરીયાદો મામલે સ્થળ તપાસ કરીને રીપોર્ટ કરાયો છે.

(1:11 pm IST)