સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st March 2018

હત્યા-ફાયરીંગ પ્રકરણમાં મોરબી ભાજપ અગ્રણી સહિતના આરોપીઓના આશ્રય સ્થાનો પર દરોડા

પંચાસર-મોરબી સ્થિત નિવાસ સ્થાને અને અન્ય આશ્રય સ્થાનો પર પોલીસની ધોંસ : કોઇ સગડ ન મળતા કોલ ડિટેઇલના આધારે તપાસ

 મોરબી, તા. ર૧: મોરબીના પંચાસર ગામે જુની અદાવતમાં સહદેવસિંહ તેજુભા ઝાલાના હત્યાના બનાવમાં સંડોવાયેલા ભાજપ અગ્રણી સહિત છ આરોપીઓને ઝડપી લેવા પોલીસે આશ્રયસ્થાનો પર દરોડા પાડયા હતાં પણ એકેય આરોપીઓના સગડ મળ્યા નહતા.

પંચાસર ગામે ફાયરીંગ અને હત્યાના બનાવમાં ઇજાગ્રસ્ત પરાક્રમસિંહએ આરોપી સહદેવસિંહ ઝાલા અને તેનો ભાઇ હિતેન્દ્રસિંહ ઝાલા તેમજ કાકો ભત્રીજો રાજ મહેન્દ્રસિંહ ઝાલા અને અરવિંદ ઝાલા ઉપરાંત ભાજપ અગ્રણી  નરેન્દ્રસિંહ ઝાલા અને તેના ભાઇ વિક્રમસિંહ ઝાલા (સદસ્ય તા.પં.) એ છ સામે ફાયરીંગ કરી હત્યા  નિપજાવી હોય તેમજ ફરીયાદી સહિત બેને ઇજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવી હતી.  ફાયરીંગ કરીને તમામ આરોપીઓ ફરાર થયા હોય, જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી તેમજ સ્થાનિક પોલીસની વિવિધ ટીમો આરોપીને ઝડપી લેવા માટે વિવિધ દિશામાં તપાસ ચલાવી રહ્યા છે અને ફરાર આરોપીને ઝડપી લેવાની કવાયત પોલીસે હાથ ધરી છે.

મોરબીના ડી.વાય.એસ.પી. બન્નો જોષીએ જણાવ્યું હતું કે, આરોપીઓને ઝડપી લેવા તેની પંચાસર અને મોરબી સ્થિત નિવાસ સ્થાનો તેમજ અન્ય આશ્રય સ્થાનો પર તપાસ કરાઇ હતી પણ આરોપીના કોઇ સગડ મળ્યા ન હતા. નાસી છૂટેલ આરોપીઓને ઝડપી લેવા કોલ ડિટેઇલના આધારે તપાસ કરાશે.

(11:48 am IST)