ભાવનગરમાં લોટરી લાગ્યાની લાલચ આપી વિપ્ર યુવાન સાથે બે લાખ રૂ.ની છેતરપીંડી
ભાવનગર, તા. ર૧ : ભાવનગરમાં લોટરી લાગ્યાની લાલચ આપી વિપ્ર યુવાન સાથે રૂ. ૧.૯પ લાખની છેતરપીંડી થયાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે.આ બનાવની વિગતો એવી છે કે શહેરના બોરતળાવ વિસ્તારમાં હરીઓમનગરમાં રહેતા જીજ્ઞેશભાઇ ધીરજભાઇ ભટ્ટના મોબાઇલ ફોન ઉપર આકાશ વર્મા નામના શખ્સે ગત ગુરૂવારે ફોન કર્યો હતો અને તેને કહેલ કે તમોને લોટરી લાગી છે તેમ કહી વાત વાતમાં વિશ્વાસ કેળવી બાદમાં અન્ય સાહેબ તમોને ફોન કરી વિગત માંગે તેમ કહેલ.
બાદમાં જીજ્ઞેશભાઇને સિદ્ધાર્થ ગુપ્તા અને સંજયકુમારે સતત ત્રણ દિવસ ફોન કરી વિવિધ લોભામણી વાતો કરી વિશ્વાસ કેળવી કહેલ કે લોટરીના ઇનામની રકમ તમોને જોઇતી હોય તો તમારે અમુક રકમ જમા કરાવી પડશે અને જીજ્ઞેશભાઇ આ શખ્સોની વાતમાં આવી ગયા હતા. આ શખસોએ અલગ અલગ બેંક ખાતામાં કટકે કટકે રૂ. ૧,૯પ,૦૦૦ ડીપોઝીટ કરાવી બાદમાં આ શખ્સોએ જીજ્ઞેશભાઇને મોબાઇલ ફોનનો જવાબ નહીં આપતા તેની સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી થયાનું લાગતા તેને ડી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આ ત્રણેય શખ્સો વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
ગળાફાંસો
બ્રાહ્મ તલાવરી ટેકરી ચોકમાં રહેતા હિરેનભાઇ નરશીભાઇ જેઠવા ઉ.વ.ર૪ નામના યુવાને તેના ઘરે ગળાફાંસો ખાઇ આત્મહત્યા વહોરી લીધી હતી. આ અંગે ડી-ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.