સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st March 2018

ખેડૂતોનાં કબ્જા-માલિકીની જમીન રેકર્ડ ઉપર ન હોય તેવી ડૂબની જમીનો ખેડૂતોના નામે કરવી જોઈએઃ પીરઝાદા

સરકારી કર્મચારીઓને મંજુર થયેલ નવી શરતની જમીનો જૂની શરતમાં ફેરવવી જોઈએ વાંકાનેરના ધારાસભ્યની વિધાનસભામાં રજૂઆત રાજકોટ જીલ્લામાં કોઈ પ્રકરણ પડતર નથી

ગાંધીનગર, તા. ૨૧ :. રાજ્યમાં ખેડૂતોની માલિકીની કબ્જાવાળી જમીનો મહેસુલ વિભાગની ભૂલના કારણે રેકર્ડ ઉપરથી નીકળી જતા આવી જમીનો ડુબની જમીનો ગણાય છે. આવી જમીનો રેકર્ડ ઉપરથી નીકળી જતા ખેડૂતોને લોન-સબસીડી સહિતની અનેક યોજનાઓ - લાભોથી વંચીત રહેવું પડે છે. આવી જમીનોના વાવેતરના પાકવિમા પણ નીકળતા નથી. આ જમીનો પુનઃ રેકર્ડ ઉપર લેવા ખેડૂતોની માંગણીઓ લાંબા સમયથી તુમારમાં અટકેલી હોય છે તેનો તાત્કાલીક નિકાલ લાવવા ફરીયાદો ધારાસભ્યો પાસે આવતી હોય છે.

સરકારી કર્મચારીઓને રહેણાકના પ્લોટો ફાળવવામાં આવે છે તે નવી શરતથી આપવામાં આવે છે. કર્મચારીની નિવૃતિ બાદ અન્ય વિસ્તારોમાં પણ પરિવારની સગવડતા ખાતર સ્થિર થવું પડતુ હોય છે. આવા સંજોગોમાં કર્મચારીને મળેલ પ્લોટ વેચાણ કરી નવી જગ્યાએ પ્લોટ ખરીદવાની જરૂર ઉભી થાય છે, પરંતુ નવી શરતના પ્લોટ વેચાણ લેનારને ૧૦૦ ટકા પ્રિમીયમ ભરવુ પડતુ હોવાથી પ્લોટ વેચાણમાં મુશ્કેલી પડે છે. આવા પ્લોટો સરકારે જૂની શરતમાં ફેરવી આપવા નિવૃત કર્મચારીઓ દ્વારા ધારાસભ્ય સમક્ષ વિનંતી કરવામાં આવી હતી.

કૌશલ્ય વર્ધન કેન્દ્રોમાં યુવા વર્ગને યોગ્ય તાલીમો અપાય તો બેરોજગારીનો પ્રશ્ન હલ થાય, તે માટે યુવા વર્ગને લક્ષમાં લઇને પોતાના વિસ્તારોમાં વધુ કૌશલ્ય વર્ધન કેન્દ્રો શરૂ કરાય તે માટે ધારાસભ્યો દ્વારા સરકારને ભલામણ કરવામાં આવતી હોય છે.

આ તમામ બાબતો અંગે વાંકાનેર-ધારાસભ્યશ્રી મહમદ જાવેદ પીરઝાદા દ્વારા વિધાનસભા ગૃહમાં પ્રશ્નો રજૂ કરાયા હતાં.

શ્રી પીરઝાદાએ પ્રશ્ન રજૂ કરતા જણાવ્યું કે મોરબી અને રાજકોટ જીલ્લામાં ખેડૂતોના કબ્જા-માલીકી વાળી ખેતીની જમીનો રેકર્ડ ઉપર ન હોવાના ડુબના કેટલા પ્રકરણો જીલ્લા અને રાજયકક્ષાએ અનિર્ણિત છે. આ પ્રકારણો કયારથી પડતર છે. પડતર રહેવાના કારણો શા છે અને કેટલા સમયમાં નિકાસ કરવામાં આવશે.

શ્રી પીરઝાદાના પ્રશ્નનો લેખીત ઉતર આપતા મહેસુલ મંત્રીશ્રીએ જણાવ્યું કે મોરબી જીલ્લાના ર પ્રકરણો જુલાઇ-ર૦૧૭ થી અનિર્ણિત છે તે અપૂરતા રેકર્ડ, સ્થાનિક ખરાઇ કરવાની બાકી હોવાથી પડતર છે. બન્ની ત્વરાએ નિકાલ કરવામાં આવશે રાજકોટ જીલ્લામાં કોઇ પ્રકરણ પડતર નથી.

શ્રી પીરઝાદાએ કર્મચારીઓના રહેણાંકના પ્લોટોનો પ્રશ્ન રજૂ કરતા જણાવ્યું કે મોરબી અને રાજકોટ જીલ્લાના કર્મચારીઓને ફાળવવામાં આવેલ રહેણાંકના પ્લોટોને નવી શરતમાંથી જુની શરતમાં ફેરવવાની કેટલી અરજીઓ પડતર છે. આ અરજીઓ કયારથી પડતર અને પડતર રહેવાના કારણો શા છે અને કેટલા સમયમાં નિકાલ કરવામાં આવશે ?

આ પ્રશ્નનો લેખીત ઉતર આપતા મહેસુલમંત્રીશ્રીએ જણાવ્યું કે મોરબી જીલ્લામાં કોઇ અરજી પડતર નથી રાજકોટ જીલ્લામાં ર૬ અરજી પડતર છે. ર૦૧૭થી રપ અરજી અને ર૦૧૮થી ૧ અરજી પડતર છે. આ અરજીઓ શરતભંગ તથા અન્ય મુદાઓ પૂરતો ચકાસણી બાકી હોવાથી પડતર છે. ચકાસણી પૂર્ણ થયે નિકાલ કરવામાં આવશે.

શ્રી પીરઝાદાએ કૌશલ્ય વર્ધન કેન્દ્રો અંગેનો પ્રશ્ન રજૂ કરતા જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં મોરબી અને રાજકોટ જીલ્લામાં કેટલા કૌશલ્ય વર્ધન કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા, કેટલા તાલીમાર્થીઓને કઇ રોજગારલક્ષી તાલીમો આપવામાં આવી અને કેટલા કેન્દ્રોમાં તાલીમો આપવામાં આવી રહી છે.

શ્રી પીરઝાદાના પ્રશ્નનો લેખીત ઉતર આપતા શ્રમ અને રોજગાર મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજકોટ ખાતે ૧-કૌશલ્ય વર્ધન કેન્દ્ર રોજગાર અને તાલીમ ખાતા દ્વારા શરૂ કરવામા આવ્યું છે. આ કેન્દ્રમાં મોરબી જીલ્લાના શિવણ ગ્રુપમાં ૧૦૬પ, બ્યુટી પાર્લરમાં ૬૮૭ અને કોમ્પ્યુટર ગ્રુપમાં ૧૧રર મળી કુલ-ર૮૭૪ તાલીમાર્થીઓને તાલીમો આપવામાં આવી જયારે રાજકોટ જીલ્લાના શિવણ ગ્રુપમાં ૭પ૯, બ્યુટી પાલર-પ૧૬, કોમ્પ્યુટર ગ્રુપ-૯૧ર અને સ્પોકન ઇંગ્લીશ ગ્રુપમાં ૩૬૦ મળી કુલ રપ૪૭ તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી. તેમજ મોરબી જીલ્લામાં ૮ અને રાજકોટ જીલ્લામાં ૧૩ કેન્દ્રોમાં તાલીમ આપવામાં આવી રહી છે તેવું ધારાસભ્ય વાંકાનેરના અંગત મદદનીશ ભીમજી વડોરની અખબારીમાં જણાવાયું હતું.

(11:44 am IST)