સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st March 2018

હડમતાળા ગેસ ગળતર અંગે ખંડણી માંગવાની ફરીયાદમાં આગોતરા જામીન મંજુર

ગોંડલ, તા. ૨૧ :. હડમતાળા ગેસ ગળતર પ્રકરણમાં નોંધાયેલ ખંડણી માંગવાની ફરીયાદના આરોપીઓના આગોતરા જામીન ગોંડલ કોર્ટે મંજુર કરેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, હડમતાળા જી.આઈ.ડી.સી.માં માલવીન (પારમેક્ષ) ફાર્માના નામથી ફેકટરી ચલાવતા અલ્કેશભાઈ રમણીકભાઈ ગોસલીયાએ ગત તા. ૨૬-૨-૨૦૧૮ના રોજ ખોડીયાર સ્ટોન ક્રશર નામથી ભરડીયો ચલાવતા વિક્રમસિંહ નોંઘુભા જાડેજા તથા કિશાન ફયુલસના નામથી બાયો કોલ બ્રિકેટનું ઉત્પાદન કરતા કૌશિકભાઈ તુલસીભાઈ સોજીત્રા વિરૂદ્ધ કોટડાસાંગાણી પોલીસ સ્ટેશનમાં ખંડણી માંગવાની ફરીયાદ નોંધાવી હતી.

ફરીયાદમાં તા. ૨૪-૨-૨૦૧૮ના રોજ આરોપી વિક્રમસિંહે ફરીયાદીને ફોન કરી તારી ફેકટરીમાંથી ગેસ છુટે છે, જેથી મારા મજુરો બેભાન થઈ જાય છે તેમ કહી જેમ ફાવે તેમ ભુંડા બોલી ગાળો આપી તારી ફેકટરી બંધ કરાવવા તેમજ આરોપી વિક્રમસિંહ તથા કૌશિકભાઈ છેલ્લા એકાદ વર્ષથી ફરીયાદીની ફેકટરીએ રૂબરૂ આવી પૈસા પડાવવાના હેતુસર ફરીયાદી તથા તેના સાહેદ દિપકભાઈ મહેતા સામ ફાઈન ઓ કેમવાળા સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય તેમજ આરોપી કૌશિકભાઈએ ફરીયાદીના સાહેદ દિપકભાઈ મહેતાને અગાઉ આ બાબતે સમાધાન કરવું હોય તો તેઓ આરોપી વિક્રમસિંહને વાત કરે પરંતુ સમાધાનના રૂપિયા આપવા પડશે નહીંતર તમે બન્ને તમારો જીવ ખોઈ બેસશો તેવી ધમકી આપેલ હોવાના આક્ષેપો કરેલ આ ફરીયાદ લખાવવા આવેલ.

આરોપીઓ સામે ગુન્હો દાખલ થયો હોવાનું જાણમાં આવેલ જેથી આરોપીઓએ ભંડેરી એડવોકેટસ-ગોંડલ મારફત ગોંડલ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન ઉપર મુકત થવા અરજી કરેલ.

તમામ રજુઆતોને ધ્યાને લઈ ગોંડલના એડી. સેશન્સ જજ શ્રી જે.એન. વ્યાસ એ બન્ને આરોપીઓને આગોતરા જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ છે. આ કામમાં આરોપીઓ તરફે ભંડેરી એડવોકેટસ-ગોંડલ ટીમના નિરંજય એસ. ભંડેરી-એડવોકેટ, શિવલાલ પી. ભંડેરી-એડવોકેટ, ભકિત એસ. ભંડેરી-એડવોકેટ, અંબાગૌરી એસ. ભંડેરી-એડવોકેટ, પ્રજ્ઞા એન. ભંડેરી-એડવોકેટ તથા રવિરાજ પી. ઠકરાર - એડવોકેટ રોકાયેલા હતા.

(11:41 am IST)