સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st March 2018

રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરનો સસ્પેન્શન ઓર્ડર રદ ન થાય તો આંદોલન

અમરેલીઃ રાજુલાના ધારાસભ્યનું સસ્પેન્શન તાત્કાલીક રદ કરવામાં ન આવે તો જલદ આંદોલન કરવાની ચીમકી સાથે અમરેલી જિલ્લા આહીર સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે. જિલ્લા આહીર સમાજ દ્વારા કલેકટરને કરવામાં આવેલી લેખીત રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, વિધાનસભામાં ઘટના બાદ રાજુલા-જાફરાબાદ મત વિસ્તારના ધારાસભ્ય અંબરીશભાઈ ડેરને ૩ વર્ષ માટે વિધાનસભા ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમરેલી જિલ્લા આહીર સમાજ દ્વારા આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડીને ઉગ્ર દર્શાવવામાં આવ્યો હતો. સમાજ દ્વારા જણાવાયુ છે કે અંબરીશભાઈ પોતાના વિસ્તારના વિકાસના મુદ્દે, ગરીબો, વંચીતો અને પછાત લોકોના વિકાસના મુદ્દે હાલની સરકાર સામે રોષ વ્યકત કર્યો છે જેને પરહિતાર્થે લેવામાં આવેલું પગલુ ગણાવીને તેમના સસ્પેન્શનના નિર્ણયને અન્યાયી ગણાવવામાં આવ્યો હતો. તેમણે સંપૂર્ણ લોકશાહી ઢબે રજૂઆત કરી હોવા છતાં જનતાના અવાજને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સમસ્ત અમરેલી જિલ્લા આહીર સમાજ દ્વારા રાજુલાના ધારાસભ્યના સસ્પેન્શનનો નિર્ણય તાત્કાલીક રદ કરવા માટે માગણી કરવામાં આવી છે અને જો સસ્પેન્શન પાછું લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પમ ચીમકી આપવામાં આવી છે. (તસ્વીર-અહેવાલઃ અરવિંદ નિર્મળ-અમરેલી)

(11:30 am IST)