સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 21st February 2021

ભાવનગર મહાનગરપાલિકાની 13 વોડૅની 52 બેઠકો માટે શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ

ભાવનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ગૌરાંગ મકવાણાએ મતદાન કર્યુ : રવિવારની રજા હોવાથી પ્રારંભે ધીમું મતદાન

(મેધના વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર.૨૧ ભાવનગર મહાનગરપાલિકાની ૧૩ વોડૅની ૫૨ બેઠકો માટે  શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ થયો છે.

ભાવનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ગૌરાંગ  મકવાણાએ મતદાન કર્યુ હતું રવિવારની રજા હોવાથી પ્રારંભે ધીમું મતદાન થયું હતું. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

      કોરોના અંગેની માર્ગદર્શિકાને અનુસરી ભાવનગરના નાગરિકોને તેમના મતાધિકારનો ઉપયોગ કરી લોકતંત્રને મજબુત બનાવવા અપીલ કરતા જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણાએ સ્થાનિક સ્વરાજયની ચૂંટણી-૨૦૨૧ અન્વયે મહાનગરપાલિકાની ચૂંટણીમાં પોતાનો પવિત્ર મત આપી મતદાન કર્યું હતું.  ભાવનગર જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ થયો છે. આજે સવારથી જ લોકો મતદાન કેન્દ્રો ઉપર જઇ મતદાન કરી રહયા છે. મતદાન માટે કોરોના મહામારીને ધ્યાને લઇ માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવી રહયું છે, જેમાં ટેમ્પરેચર ગન દ્વારા મતદાતાઓનું ટેમ્પરેચર ચેક કરી હેન્ડ સેનેટાઇઝ કર્યા બાદ ગ્લવ્ઝ પહેરી મતદાન કરવાની વ્યવસ્થાઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી છે. 

ભાવનગર ખાતેના વોર્ડ નં. 8 વડવા-અ મતવિસ્તારના સર પી.પી.ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ કોલેજ ખાતે રૂમ નં.૧ માં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રીએ વહેલી સવારે મતદાન કર્યુ હતું.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી મકવાણાએ મતદાન કર્યા બાદ સૌ ભાવનગરવાસીઓને અપીલ કરતાં જણાવ્યું હતું કે લોકશાહીના આ મહાપર્વમાં તમામ નાગરિકો ઉત્સાહભેર જોડાઈ મતદાન કરે તેમજ પોતાના પરિવારજનો તથા અન્યોને પણ મતદાન કરવા પ્રેરિત કરે.આ ચૂંટણીમાં ભાવનગર મહાનગરપાલિકામાં સૌથી વધુ મતદાન થાય તેવી આ તકે તેઓએ અપેક્ષા વ્યકત કરી હતી અને ભાવનગર મહાનગરપાલિકા મતવિસ્તારના 469 મથકોમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકતંત્રને મજબુત બનાવવા માટેની લોકોને અપીલ કરી હતી.

(10:27 am IST)