સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 21st February 2020

મોરબીમાં બેન્કમાંથી લુંટ કરીને નાશી છૂટેલા લુંટારૂઓને ઝડપવા હળવદ-માળિયા મિંયાણાના ગ્રામજનોએ ગાડા-ટ્રેકટરથી રસ્તા બંધ કરી દીધા'તા

ગ્રામજનોએ પોલીસને સહયોગ આપતા સફળતા મળીઃ જીલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલા

મોરબી તા.ર૧ : મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવે દેનાબેંક અને બેંક ઓફ બરોડાની સંયુકત શાખામાં  છ જેટલા લુંટારૂઓએ બંદુકની અણીએ બેંક ઓફ બરોડાના કેશિયર પાસેથી રૂ.૪.૪પ લાખ, દેનાબેંકના કેશિયર પાસેથી ૧.પ૭ લાખ  અને એક ગ્રાહક પાસેથી રૂ.૬પ૦૦ રોકડ તેમજ અન્ય ચાર ગ્રાહકોના મોબાઇલ મળીને રૂ.૬.૪૪ લાખની લુંટ ચલાવી હતી. આ બનાવ અંગે પોલીસે બેંક ઓફ બરોડાના જોઇન્ટ મેનેજર મુરારીકુમાર ભુવનેશ્વર શર્માની ફરિયાદના આધારે અજાણ્યા ૬ શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો.

બનાવ બન્યાને માત્ર ૧૦ જ મિનીટમાં પોલીસે સમગ્ર જિલ્લામાં નાકાબંધ કરી દીધી હતી અને માત્ર ૪ કલાકમાં ૪ આરોપીને હળવદના ચુપણી ગામેથી ઝડપી પાડયા હતા. નાકાબંધી વખતે  હળવદ અને માળિયામાં ગ્રામજનોએ આડા અવળા રસ્તેથી આરોપીઓ નાસી ન જાય તે માટે ગાડા અને ટ્રેકટર રાખીને રસ્તા બંધ કરી દીા હતા. ચુપણી ગામે પણ ૧ હજાર જેટલા ગ્રામજનોને એકત્રિત થઇને આરોપીઓને શોધવામાં પોલીસની મદદ કરી હતી.

આ બનાવ અંગેમોરબી જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે ક્રાઇમબ્રાન્ચ, એસઓજી, માળિયા પોલીસ, હળવદ પોલીસ, એ ડીવીઝન, બી ડીવીઝન અને તાલુકા પોલીસે સંયુકત ઓપરેશન હાથ ધરીને માત્ર ૪ જ કલાકમાં આરોપીઓને પકડી પાડયા હતા. જે બદલ તેઓએ પોલીસની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં તેઓએ કહયું કે આરોપીઓ કચ્છ તરફ ભાગી ન જાય એટલે હળવદ અને માળિયાના ગ્રામજનોએ રસ્તાઓ ઉપર ટ્રેકટર અને ગાડાઓ મુકીને રસ્તાઓ બંધ કરી દઇ પોલીસને સહયોગ આપ્યો હતો અને ચુપણી ગામે ૩૦ વિઘા જમીનમાં ૬ થી ૭ ફૂટના ઉભા પાકમાં આરોપીઓ સંતાયા હતા. ત્યારે પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીન ાખ્યો હતો. આ વેળાએ પણ ગ્રામજનોએ પોલીસને સહયોગ આપ્યો હતો. જે બદલ એસપીએ તમામ ગ્રામજનોનો આભાર વ્યકત કર્યો હતો.

અંતમાં એસપી ડો. કરનરાજ વાઘેલાએ કહયું કે, આરોપીઓ પાસેથી ૩ હથિયારો અને અનેક કારતુસ તેમજ લુંટાયેલ મુદામાલ કબ્જે લેવામાં આવ્યા છે. આરોપીઓની આયોજનબધ્ધતાને લઇને લાગી રહયુ છે કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હશે. આ આરોપીઓ નોર્થ ઇન્ડિયા એટલે કે પંજાબ સાઇડના હોવાનું લાગી રહયુ છેે. આરોપીઓ લુંટ અને ચોરી કરતી આંતરરાજય ગેંગના હોવાની પણ શકયતા છે. તેઓની પુછપરછ દરમિયાન તેઓનો ગુનાહિત ઇતિહાસ અને વધુ  વિગતો બહાર આવશે.

(12:41 pm IST)