સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 21st January 2021

અમરેલી જિલ્લાના બાબરાની બજારમાં 10 વર્ષના રમેશ બારોટની દુહા-છંદની જમાવટઃ વીડિયોએ સોશ્‍યલ મીડિયામાં ધૂમ મચાવી

અમરેલી: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રોજેરોજ અનેક વીડિયો વાયરલ થતા હોય છે. તેમાં બાળકોના અનેક વીડિયો પોપ્યુલર થતા વાર નથી લાગતી. બાળકોની વિચિત્ર હરકતો, બાળકોનું ટેલેન્ટ વગેરેના વીડિયો સોશિયલ મીડિયા પર વધુ પોપ્યુલર છે. આવામાં બાબરાની બજારમાં એક બાળકનો દુહા-છંદ લલકારતો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં દેખાતો બાળક તમારું દિલ જીતી લેશે. આ વીડિયોમાં ગુજરાતી બાળકનું ટેલેન્ટ ઝળકાઈ આવ્યું છે.

ગુજરાતી પરંપરાગત વેશભૂષામાં ગુજરાતી સાહિત્યના જુના દોહા છંદ પોકારી અમરેલી શહેરની બજાર ગજવતા બાળકનો વીડિયો સામે આવ્યો છે. આ બાળકે જે અંદાજમાં દોહા પોકારી રહ્યો છે જોતા તે સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. જેણે પણ આ વીડિયો જોયો તે આ બાળકના ટેલેન્ટના વખાણ કરી રહ્યાં છે.

આ બાળકનું નામ રમેશ બારોટ છે. જેની ઉંમર 10 વર્ષ છે. તેના પિતાનું નામ વાઘાભાઈ બારોટ છે. વાઘાભાઈ બારોટ મૂળ ભાવનગર વિસ્તારનો છે અને હાલ બાબરામાં રહે છે. પોતાની ગાવાની આવડતને કારણે બાળક સ્થાનિક સ્તરે પોપ્યુલર છે. તેનો પરિવાર ઊંટ ભાડે આપીને ગુજરાન ચલાવે છે. તેમની માલિકીનું એક ઊંટ છે, જેને તેઓ લગ્નના ફુલેકા, ધાર્મિક પ્રસંગોમાં ડિમાન્ડ મુજબ લઈ જાય છે. ગામેગામ જઈને પિતા-પુત્ર આવી રીતે ગાઈને રૂપિયા કમાવે છે.

ગુજરાતી સાહિત્ય અમૂલ્ય છે. પરંતુ નવી પેઢી જ્વલ્લે જ તેમાં રસ લેતી જોવા મળે છે. આવામાં આ બાળક જે રીતે જૂના દોહા પોકારી રહ્યો છે તે પરથી જાણી શકાય છે કે તેને બાળપણથી જ તેનું જ્ઞાન છે. તેને તેની તાલીમ આપવામાં આવી છે.

(5:19 pm IST)