સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st January 2019

અરૂણાચલમાં ચીનના પગપેસારો સામે વડાપ્રધાન નરેન્દ્રભાઇની પ્રશંસનીય કામગીરી- પદ્મનાભ આચાર્ય

ભૂજના પધ્ધર ગામે ૨૩મી જાન્યુ.સુધી 'નમસ્તે' ફોક ફેસ્ટીવલઃ નાગાલેન્ડના રાજયપાલ દ્વારા ખુલ્લો મુકાયો

ભુજ, તા.૨૧: કચ્છના આંગણે ભુજના પદ્ઘર ગામે LLDC મધ્યે ૨૩ મી જાન્યુઆરી સુધી ચાલનારા 'નમસ્તે' ફોક ફેસ્ટીવલને નાગાલેન્ડ ના રાજયપાલ પદ્મનાભ આચાર્ય અને કાન્તિસેન શ્રોફ 'કાકા'ના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પાંચ દિવસ ચાલનારા આ ફોક ફેસ્ટીવલમાં પૂર્વોત્તર ના ૮ રાજયોના કલાકારો તેમ જ હસ્તકલા કારીગરો પોતાની કલાનું નિદર્શન કરી રહ્યા છે. તેમની સાથે કચ્છ ના કલાકારો અને હસ્તકલા કારીગરો પોતાની કલાનો સુર પુરાવી ને પૂર્વ તેમ જ પશ્યિમ ની લોક સંસ્કૃતિ નું સુંદર સાયુજય રચ્યું છે. આમ, કચ્છનું પદ્ઘર ગામ ભારતની લોક સંસ્કૃતિનુ પ્રેરણાદાયી પ્રતીક બન્યું છે. નાગાલેન્ડના રાજયપાલ પદ્મનાભ આચાર્ય એ પૂર્વોત્તર રાજયો તરફ ભેદભાવ દર્શાવવાની માનસિકતામાં બદલાવ લાવવા ઉપર ભાર મુકતા જણાવ્યું હતું કે, આ રાજયો આપણાં દેશનો જ હિસ્સો છે. લોકો પૂર્વોત્તરના આપણાં દેશના જ આ રાજયોના નામ નથી જાણતા (૧) નાગાલેન્ડ (૨) ત્રિપુરા (૩) અરુણાચલ (૪) મેઘાલય (૫) મિઝોરમ (૬) સિક્કિમ (૭) મેદ્યાલય અને (૮) આસામ, આ તમામ પ્રાકૃતિક સૌંદર્ય ધરાવે છે, અહીં લોકકલા એ ઉત્સવ રૂપે લોકોમાં જીવંત છે, દેશની આઝાદી ના ઇતિહાસમાં આ રાજયોનું પ્રદાન મહત્વનું રહ્યું છે, પણ ઇતિહાસમાં તેની પૂરતી નોંધ લેવાઈ નથી. કચ્છમાં શ્રોફ પરિવાર દ્વારા થઈ રહેલા સામાજિક સેવાકીય કાર્યોને બિરદાવતા રાજયપાલ પદ્મનાભ આચાર્ય એ ભુજ સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા અને પોતે મુંબઈ માં ગેજયુએટ થયા બાદ ૧૯૫૨ દરમ્યાન પ્રથમ નોકરી કરવા માટે ભુજ આવ્યા હોવાનું જણાવ્યું હતું. પોતે અરુણાચાલ સહિત પૂર્વોત્ત્।ર ના ચાર રાજયોના અત્યાર સુધી રાજયપાલ રહી ચૂકયા હોવાનું કહેતા પદ્મનાભ આચાર્ય એ અરુણાચલ સરહદે ચીન સાથે ચાલતા વિવાદ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલ કાર્યવાહી ની પ્રશંસા કરી હતી અને તેમની કામગીરીને અસરકારક ગણાવી હતી. પૂર્વોત્તરના લોકોએ પણ ચીન સામે વિરોધ દર્શાવ્યો તેની પ્રશંસા કરતા રાજયપાલ શ્રી આચાર્યએ જણાવ્યું હતું કે, દેશના અન્ય ભાગમાં લોકોએ પણ ચીનનો વિરોધ કરીને પૂર્વોત્તરના રાજયોના લોકોને સમર્થન આપવાની જરૂરત હતી. આપણે સૌ એ એક વાત સમજવાની જરૂરત છે કે, પૂર્વોત્તર એ આપણા દેશનો જ ભાગ છે. પૂર્વોત્તરને પણ હવે વિકાસની કેડીએ આગળ લઈ જવાની જરૂરત છે. પૂર્વોત્તરના રાજય ત્રિપુરા અને કચ્છને જોડતી કડી વિશે રસપ્રદ માહિતી આપતા ભાવનગરના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે સવારે પૂર્વ દિશામાં સૂરજનું પ્રથમ કિરણ ત્રિપુરા માં પડે છે, જયારે સાંજે પશ્ચિમમાં સૂરજનું આખરી કિરણ કચ્છના કોટેશ્વર ગામે પડે છે. આમ સૂર્યોદય તેમ જ સૂર્યાસ્ત એ નોર્થ ઇસ્ટના ત્રિપુરાને અને વેસ્ટના કચ્છને જોડે છે. શ્રોફ પરિવારના સાંદ્રા શ્રોફે લાગણીભર્યા સુરે સ્વર્ગસ્થ ચંદાબેન શ્રોફને યાદ કર્યા હતા. જયારે શ્રુજન તેમ જ LLDC ના મેનેજિંગ ટ્રસ્ટી અમીબેન શ્રોફે 'અકિલા'ને જણાવ્યું હતું કે ગુજરાત માં કદાચ પ્રથમ જ વખત યોજાયેલા પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિ વચ્ચેના આ સમન્વયનો હેતુ દેશમાં રહેતા વિવિધ રાજયોના લોકો વચ્ચે સંસ્કૃતિના આદાન-પ્રદાનનો અને તેના દ્વારા દેશની એકતાને ઉજાગર કરવાનો અને વધુ મજબૂત બનાવવાનો છે. મહેશ ગોસ્વામીએ LLDC વતી ૨૩ જાન્યુઆરી સુધી ચાલનારા નમસ્તે ફોક ફેસ્ટિવલ ની મુલાકાત લેવાનુ લોકોને આમંત્રણ આપ્યું છે. પાંચ દિવસ સુધી અહીં હસ્તકલાના સ્ટોલ ઉપરાંત રોજ સાંજે ૬ થી રાત્રે ૧૦ વાગ્યા દરમ્યાન લોક કલાકારો દ્વારા અહીં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ નમસ્તે ફોક ફેસ્ટિવલને પાર પાડવા માટે શ્રુજન- LLDC નો સમગ્ર સ્ટાફ જહેમત ઉઠાવી રહ્યો છે.(૨૩.પ)

(11:58 am IST)