સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 7th April 2021

જૂનાગઢના કોળીએ ૧૪ લાખની ચોરીઓ કબૂલી

દિવસના સમયે સાયકલ ઉપર આંટાફેરા કરી બંધ મકાનને જોઇ લેતો : અશોક મેરવાડા ત્રણ દિ' રીમાન્ડમાં : પાંચ ઘર ફોડીનો ભેદ ખોલતી પોલીસ

જૂનાગઢ,તા.૭:  શહેરના માંગનાથ રોડ ઉપર હનુમાનજીના મંદિર પાસે આવેલ કૈલાસ મકાનમાં રહેતા, સિનિયર સીટીઝન દિવ્યાંશુભાઈ ચિતરંજનભાઈ વૈષ્ણવ ઉવ. ૬૫ હોળી ધુળેટીના તહેવાર સબબ તા. ૨૮.૦૩.૨૦૨૧ થી તા. ૩૦.૦૩.૨૦૨૧ બહાર ગામ ગયેલ હોઈ, તેઓના બંધ મકાનના તાળા તોડી, કબાટ તથા તિજોરીમાંથી રોકડ રકમ રૂ. ૧૦,૦૦૦/- ની ચોરી થતા, એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવતા, પી.આઇ. આર.જી.ચૌધરી તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી.

ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ  પીએસઆઇ એ.કે.પરમાર, ડી સ્ટાફના એ.એસ.આઇ. એમ.ડી. માડમ, વિક્રમસિંહ, મોહસીનભાઈ, વનરાજસિંહ, અનકભાઈ, દિનેશભાઈ, સંજયભાઈ, સુભાષભાઈ, પ્રવીણભાઈ, નારણભાઈ સહિતની ટીમ દ્વારા સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના પીએસઆઇ પી.એચ.મશરૂ તથા સ્ટાફની મદદથી સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતા, એક સાયકલ સવાર રાત્રીના સમયે ફરિયાદીના ઘર પાસે આવીને સાયકલ મૂકીને લપાતો છુપાતો ઘરમાં પ્રવેશી, ચોરી કરતો હોવાનું માલુમ પડેલ જે અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી, એ.ડીવી. પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પો.કો. વનરાજસિંહ તથા પો.કો. દિનેશભાઇ ને મળેલ બાતમી આધારે આરોપી અશોકભાઈ ઉકાભાઈ મેરવાડા કોળી ઉવ. ૪૫ રહે. ખામ ધ્રોલ રોડ, ભૂમિ એપાર્ટમેન્ટ,જૂનાગઢને સીસીટીવી ફૂટેજમાં પહેરેલ કપડા અને ગુન્હામાં વાપરેલ સાયકલ સાથે પકડી ઝડતી દરમિયાન રોકડા રૂ. ૧૦,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી, પૂછપરછ કરવામાં આવતા, ચોરી કરેલાની કબૂલાત કરવામાં આવતા, ધરપકડ કરવામાં આવેલ હતી.

આરોપી અશોકભાઈ ઉકાભાઈ મેરવાડા જાતે કોળીની ધરપકડ કરી, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ ઘરફોડ ચોરી ઉપરાંત, એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા એક વર્ષ દરમિયાન જૂનાગઢ શહેર ખાતે (૧) કડીયાવાડ, આર્ય શેરી, ગોવર્ધન એપાર્ટમેન્ટ, ચોથા માળે ફ્લેટમાથી રોકડા રૂપિયા સવા બે લાખ અને સોનાના ચેઇન દાગીના મળી આશરે પોણા ત્રણ લાખની ઘરફોડ ચોરી, (૨) કડીયાવાડ, વિશાલ ટાવર ખાતે આવેલ મકાનમાં રોકડ રકમ રૂ. ૩૦,૦૦૦/- તથા સોનાના દાગીના મળી, આશરે દોઢ લાખ રૂપિયાની ઘરફોડ ચોરી, (૩) વણઝારી ચોક, એવન સ્ટુડિયો સામે, રાજભવન એપાર્ટમેન્ટના એક મકાનમાંથી રોકડ રકમ તથા સોના ચાંદીના દાગીના મળી, આશરે પોણા ચાર લાખની ચોરી તથા (૪) નવા નાગરવાડા શેરી નં. ૦૨, હીરા લક્ષ્મી એપાર્ટમેન્ટ ના એક મકાનમાંથી રોકડા રૂપિયા આશરે સાત લાખની ઘરફોડ ચોરી કરેલાની કબૂલાત કરેલ હતી. જે અંગે તપાસ કરતા અને આરોપીને સાથે લઈ, ચેક કરતા, એ ડિવિઝન તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીના બીજા બે બે ગુન્હાઓ નોંધાયેલ હોવાનું જાણવા મળેલ છે. આમ, પકડાયેલ આરોપીની પોલીસ દવારા કરવામાં આવેલ સઘન પૂછપરછમાં કુલ આશરે ચૌદ લાખ રૂપિયાની કુલ પાંચ ઘરફોડ ચોરીની કબૂલાત કરતા, જૂનાગઢ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

આમ, જૂનાગઢ પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી, ઘરફોડ ચોરીના આરોપીને પકડી પાડી, પૂછપરછ દરમિયાન કુલ રોકડ રકમ રૂ. ૩,૪૩,૭૫૦/- તથા સોના ચાંદીના દાગીના મળી, કુલ આશરે સાતેક લાખનો મુદામાલ કબજે કરી, કુલ ૦૫ (પાંચ) ઘરફોડ ચોરીના ગુન્હાઓ ડિટેકટ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી સને ૨૦૧૨ ની સાલમાં પણ ઘરફોડચોરીના ગુન્હામાં પકડાયેલ છે. પકડાયેલ આરોપી કોઈને શંકા ના જાય એટલે સાયકલ લઈને ખાસ કરીને દિવસ દરમિયાન બંધ મકાનને ટાર્ગેટ કરી, ઘરફોડ ચોરીઓ કરવાની મોડ્સ ઓપરેન્ડી ધરાવે છે.

પકડાયેલ આરોપી અશોકભાઈ ઉકાભાઈ મેરવાડા જાતે કોળી દ્વારા બીજા ઘરફોડ ચોરી, ચોરીના કોઈ ગુન્હાઓમાં સંડોવાયેલ છે કે કેમ..? કોઈ ગુન્હાઓમાં વોન્ટેડ છે કે કેમ..? બીજો મુદ્દામાલ કયા રાખેલ છે...? વિગેરે મુદ્દાઓ સર કોર્ટમાં રજૂ કરી, દિન ૦૭ ના પોલીસ રિમાન્ડની માંગણી કરતા, કોર્ટ દ્વારા દિન ૦૩ ના પોલીસ રીમાન્ડ મંજુર કરવામાં આવતા, વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

(12:44 pm IST)