ધ્રોલના અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોના રસીના ડોઝ ખલાસ : નવા સ્ટોક અંગે અનિશ્ચિતતા
(હસમુખભાઇ કંસારા દ્વારા) ધ્રોલ તા.૭ : કોરોના સંક્રમણ દિવસે દિવસે શહેરોની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝડપથી ફેલાઇ રહેલ છે. ઉતરોતર દરરોજ આ કોરોનાથી સંક્રમીત થયેલા કેસો વધી રહેલ છે. આ પરિસ્થિતિમાં જે લોકોએ વેકસીન લીધી નથી તેવા લોકો પણ વેકસીન લેવા માટે સરકારી હોસ્પિટલ તથા અર્બન હેલ્થ સેન્ટર ખાતે વેકસીન લેવા માટે જઇ રહેલ છે ત્યારે કોરોનાની વેકસીન લેવા જતા નાગરીકોને સરકારી હોસ્પિટલ તથા અર્બન હેલ્થ સેન્ટર ખાતે પહોચી ગયા બાદ જાણવા મળેલ કે વેકસીન બે દિવસથી ખલાસ થઇ ગયેલ છે અને વેકસીન આવ્યા બાદ આ કામગીરી શરૂ કરાશે.
અર્બન હેલ્થ સેન્ટર ખાતે બોર્ડ મુકવામાં આવેલ છે કે ગુરૂવારથી આ કોરોના વેકસીન કામગીરી શરૂ થશે ત્યારે અત્રેની સરકારી હોસ્પિટલ ખાતે વેકસીનનો સ્ટોક કયારે આવશે તેની કોઇ જાણકારી આપવામાં આવેલ નથી. આ સરકારી હોસ્પિટલમાં અત્યાર સુધી આશરે ૨૮૩૦ જેટલા લોકોને વેકસીન અપાયેલ છે.