સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 7th April 2021

૬ દિ'માં ૧૬૬ કેસ સાથે હવે કચ્છમાં કોરોના વિસ્ફોટઃ એકિટવ કેસ વધીને ૨૪૫: રેમિડીસિવિયરની ઘટ

કોરોના વોરિયર્સ ત્રણ તબીબો કોરોનાની ઝપટે, ૧૦ તબીબો અમદાવાદ મુકાયા, રેમિડીસિવિયરની ઘટ વચ્ચે વપરાશ માટે કમિટી બનાવાઈઃ માધાપર, સામખિયાળી જેવા અનેક મોટા ગામોમાં તાવ, શરદીની બીમારી વધતાં ચિંતા

ભુજ, તા.૭: ચુંટણી દરમ્યાન શાંત પડેલ કોરોના હવે બીજી લહેરમાં જાણે ભૂરાંટો થયો છે.  કચ્છમાં ધીરે ધીરે કોરોનાના દર્દીઓનો આંક છેલ્લા ૬ દિવસમાં જ ૧૬૬ થયો છે. એટલે એકિટવ કેસમાં પણ ઉછાળો આવ્યો છે અને ૨૪૫ દર્દીઓ અત્યારે સારવાર હેઠળ છે. એક સાથે નોંધાયેલા ૩૫ નવા દર્દીઓ કચ્છમાં કોરોનાના વધી રહેલા પ્રકોપને દર્શાવે છે. તો, ભુજની મુખ્ય કોવિડ હોસ્પિટલ અદાણી જીકે જનરલ માં ત્રણ કોરોના વોરિયર્સ તબીબો કોરોનાની ઝપટે ચડ્યા છે. તો ૧૦ તબીબોને અમદાવાદમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે ડેપ્યુટેશન ઉપર મુકાતા તબીબોની દ્યટ સર્જાવાની ભીતિ છે. તેની સાથે રેમિડિસિવિયર ઈન્જેકશન ની કચ્છમાં ઘટ સર્જાઈ હોવાની ચર્ચા છે. જોકે, આ માટે હવે સિવિલ સર્જન સહિત અન્ય તબીબ, અધિકારીઓ ની કમિટી બનાવી જરૂરત હોય તેને જ રેમિડિસિવિયર ઈન્જેકશન આપવા એવો નિર્ણય લેવાયો છે. વધુમાં ચિંતાજનક વાત મોટા ગામોમાં વધી રહેલા તાવ અને શરદીના લક્ષણો ધરાવતાં દર્દીઓની વધી રહેલી સંખ્યાની છે. ભુજના માધાપર, ભચાઉના સામખિયાળી અને અન્ય તાલુકાના મોટા ગામોમાં આવા દર્દીઓ વધી રહ્યા છે.

(10:26 am IST)