સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd February 2021

ચરણસિંહ ઉપર આભ તૂટી પડયું કલેકટર સહિતના શોકમગ્ન

આખો સ્ટાફ ધ્રુસકે ધ્રુસકે રડી પડયોઃ કલેકટર રેમ્યા મોહન એડી. કલેકટર પરિમલ પંડયાને કહ્યું કે આવું અઘટીત ચરણ સાથે આવું થશે તે અમારા માનવામાં આવતું નથી : કલેકટરે બે ડે. કલેકટર પ્રિયંક ગલચર અને વિરેન્દ્ર દેસાઇને ઘટના સ્થળે અને અંતિમ યાત્રામાં દોડાવ્યાઃ સીટી પ્રાંત-ર કચેરી શોકમય બંધ

ગઇકાલે સાંજે ઢસા-માંડવા વચ્ચે ડે. કલેકટરની ચરણસિંહ ગોહીલના સાળાની અલ્ટો કાર અને આવી રહેલ આઇશર વચ્ચે ગમખ્વાર અકસ્માત બન્યાની તસ્વીરમાં બુકડો બોલી ગયેલ કાર-તેમના સાળા અને પુત્રીના મૃતદેહ આઇશર ટેમ્પો અને લોકો એકઠા થઇ ગયા તે નજરે પડે છે.

રાજકોટ તા. રરઃ રાજકોટના સીટી પ્રાંત-ર અને જમીન માફીયાખોરો તથા શિયસ એરપોર્ટ કામગીરીમાં વીજળીક ઝડપ લાવનાર સીટી પ્રાંત-ર શ્રી ચરણસિંહ ગોહીલ ઉપર આભ તુટી પડયું છે.

ગઇકાલે સાંજે ગઢડાના ઢસા થી માંડવા જતા રોડ પર આઇસર અને અલ્ટો કાર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ડે. કલેકટર ચરણસિંહના પત્ની ચેતનાબેન અને પુત્રી મહિમાના અને સાળા ધનંજયસિંહ રણજીતસિંહ ચુડાસમાના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજતા ચરણસિંહ અને તેમના પરિવાનર ઉપર આભ તૂટી પડયું છે.

આ ઘટના બની ત્યારે ચરણસિંહ એરપોર્ટ પર ડયુટી ઉપર હતા, તેમને મેસેજ દેવાયા કે અકસ્માત થયો  છે, તેઓ ભાંગી પડયા હતા અને તુર્તજ ઘટના સ્થળે રવાના થયા હતા.

આ ઘટનાની જાણ થતા રાજકોટ કલેકટર શ્રી રેમ્યા મોહન સહિત તમામ ડે. કલેકટરો-મામલતદારો-અને અન્ય રેવન્યુ સ્ટાફ ભાંગી પડયો છે, શોકમય બની ગયો છે. સંખ્યાબંધ સ્ટાફ ધ્રુસકે ધ્રુસકે રડી પડયો હતા, ખાસ કરીને ચરણસિંહ ગોહીલની કચેરીનો ૬૦ થી ૭૦નો સ્ટાફ દિગ્મુઢ બની ગયો છ઼ે, આખી કચેરી આજે શોકમય બંધ રહી હતી.

ચરણસિંહ સાથે આ ભયાનક ઘટના બની તેનાં સૌથી વધારે આઘાત કલેકટર-અને એડી. કલેકટરને લાગ્યો છે, બંનેએ જણાવ્યું હતું કે ચરણ સાથે આવું બનશે તે અમારા માનવામાં નથી આવતું.

આ ઘટના બાદ કલેકટરે તુર્તજ જસદણ પ્રાંત શ્રી પ્રિયંક ગલ્ચર અને રાજકોટ રૂરલ પ્રાંત શ્રી દેસાઇને ઘટના સ્થળે દોડાવ્યા હતા, અને ચરણસિંહને હિંમત રહે તે માટે આ બંને અધીકારીઓ પાલીતાણાના પાંડેરીયા ગામ પણ આખી રાત રોકાયા હતા અને આજે સવારે સ્મશાન યાત્રામાં પણ હાજર રહ્યા હતા.

રાજકોટમાં જમીન માફીયાખોરો ઉપરાંત બામણબોર વાળી જમીનના કેસોમાં સપાટો બોલાવનાર ચરણસિંહ ડે. કલેકટર તરીકે ભારે લોકપ્રિય બન્યા છે, કલેકટર-એડી. કલેકટરના વિશ્વાસુ સાથી તરીકે તેમણે મહત્વની કામગીરીઓ સુપેરે પાર પાડી હતી, અને તેઓ રાજકોટ જીલ્લા પંચાયતની ૬ બેઠકોની ચુંટણી કરનાર હતા ત્યાં જ આ ભયાનક ઘટનાથી તેઓ હતપ્રભ બની ગયા છે, સાથી અધીકારીઓના ખંભે માથું નાંખી તેઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડયા ત્યારે ભારે કરૂણ દૃશ્યો પાંડેરીયામાં સર્જાયા હતા.

(3:58 pm IST)