સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd February 2021

ગીરના નેસડામાં ગાય-ભેંસને વિચિત્ર રોગ : ૩ માસમાં ૩૦ના મોત?

કાસિયા, આલાવાણી સહિતનાં નેસડામાં માલધારીઓ માલઢોરનાં રોગને લઇ ચિંતાતુર

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨૨: ગિર જંગલના કાસિયા, આલાવણી સહિતના નેસડા અને તેના આસપાસના વિસ્‍તારમાં માલધારીઓની ગાય-ભેંસને વિચિત્ર રોગ થઇ રહ્યાનું બહાર આવ્‍યુ છે. ૪ થી ૫ દિવસમાં દૂધાળું પશુ મત્‍યુ પામે છે. છેલ્લા ત્રણેક માસમાં આ રીતે અંદાજે ૩૦ ગાય-ભેંસના મોત થયાનુ બહાર આવ્‍યુ છે.

છેલ્લા બે-ત્રણ માસ દરમ્‍યાન કાસિયા, આલાવણી અને તેની આસપાસ વસતા માલધારીની ગાય અને ભેંસમાં વિચિત્ર પ્રકારનો રોગ જોવા મળ્‍યો છે. માલધારીઓ તેને દેશી ભાષામાં ઙ્કચક્કરિયોઙ્ઘ રોગ તરીકે ઓળખે છે. આ રોગ સાજા નરવા ગાય કે ભેંસને થતાં તે ચક્કર ફરવા લાગે અને આમતેમજ ભટકવા લાગે છે. પછી થોડીવારમાં શાંત થઇ જાય. અને સામાન્‍ય વર્તન અને ખોરાક લેવા લાગે. પણ ફરી અનેકવાર ચક્કર આવીને પડી જાય એવું બને છે. ૪-૫ દિવસ આવું થયા બાદ તે મોતને ભેટે છે. આવો રોગ જોવા મળતાં અમુક માલધારીઓ પોતાના માલઢોરને લઇ જૂનાગઢ સારવાર માટે પણ લઈ ગયા હતા. તો કેટલાકે પશુચિકિત્‍સકને બોલાવી ભેંસના લોહીના નમુના લઇ લેબોરેટરી ટેસ્‍ટ માટે જૂનાગઢ પણ મોકલ્‍યા છે. આમ છત્તાં બે થી ત્રણ મહિનામાં આશરે ૩૦ ઢોરના મોત થયાનુ કહેવાય છે. આથી માલધારીઓ ભારે ચિંતાતૂર બન્‍યા છે.

સારવાર માટે આવેલી ૨ ભેંસ મોતને ભેટી હતી

પશુમાં ટ્રિપેનોજોમિયાસીસ અને થેઇલેરિયા રોગ પશુઓમાં જોવા મળ્‍યો હોવાનુ જાણકારો કહી રહ્યા છે. જૂનાગઢ સારવારમાં લઈ ગયેલ ૨ ભેંસોના મોત થયાનું બહાર આવ્‍યુ છે.એ સિવાય ડાયાભાઇ નામની વ્‍યક્‍તિની ૩ ભેંસને સ્‍થળ પર સારવાર અપાઇ હતી. જે સાજી થઇ ગયાનો દાવો કરાઈ રહ્યો છે.

કોની કેટલી ભેંસ મૃત્‍યુ પામી?  ભીખા આલા ધાનોયાની ૩ ભેંસ - ૧ ગાય, સોમા હાદા ગીગાની ૪ ભેંસ - ૪ ગાય, મુળુ સીદા ગુજરિયાની ૩ ભેંસ, કમા અમરા ધાનોયાની ૩ ગાય, સોમા અમરા ધાનોયાની ૧ ભેંસ, હરદાસ દેવા ધાનોયાની ૧ ભેંસ, ઘુઘા મેસુર ગુજરિયાની ૧ ભેંસ અને ડાયા ભીમા ધાનોયાની ૪ ભેંસના મોત થયાનું બહાર આવ્‍યુ છે. આ ઉપરાંત જે માલધારીઓ નિભાવ માટે તાલુકા કે જિલ્લા બહાર ગયા છે તેના ૮ થી ૧૦ માલઢોરના પણ આવી બિમારીમાં મોત થયાનુ માલધારી સમાજ કહી રહ્યો છે.

(1:29 pm IST)