સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd February 2021

નકલી વિદેશી દારૂ બનાવવા માટે રાજસ્થાનના પંકજ સુરેશે પેટી દીઠ ૪૦૦૦ રૂ. નક્કી કર્યા'તા !

સ્પીરીટમાં પાણી, કેમીકલ અને ફલેવર મિકસ કરી દારૂ બનાવતા'તા ને એલસીબી ત્રાટકી : જસદણના સોમપીપળીયાના નકલી દારૂ ફેકટરી પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર હસુ સહિત ચારને આજે રીમાન્ડ માટે કોર્ટમાં રજુ કરાશે

રાજકોટ, તા. ૨૨ :. જસદણના સોમપીપળીયા ગામે મકાનમાં ધમધમતી નકલી વિદેશી દારૂ બનાવવાની ફેકટરી રૂરલ ક્રાઈમ બ્રાંચે પકડી પાડી પકડાયેલ ૪ શખ્સોને રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે. મુખ્ય સૂત્રધાર હસુ શકોરીયાએ રાજસ્થાનના પંકજ અને સુરેશને નકલી વિદેશી દારૂ બનાવવા માટે એક પેટી દીઠ ૪૦૦૦ રૂ. નક્કી કર્યાનું અને જેનુ મકાન ભાડે રાખ્યુ હતુ તેને પેટી દીઠ ૫૦ રૂ. આપવા નક્કી કર્યાનું ખુલ્યુ હતું.

પ્રાપ્ય વિગતો મુજબ જસદણના સોમપીપળીયા ગામે રહેતા અને ખેતીકામ કરતા દિનેશ કુકા ડાભીના મકાનમાં રૂરલ ક્રાઈમ બ્રાંચના પી.આઈ. અજયસિંહ ગોહિલ તથા પીએસઆઈ વી.એમ. કોલાદરા સહિતના સ્ટાફે રેઈડ કરી નકલી વિદેશી દારૂ બનાવવાની ફેકટરી પકડી પાડી મુખ્ય સૂત્રધાર હસમુખ ઉર્ફે હસો નારણ શકોરીયા રે. મોટા હડમતીયા, તા. વિંછીયા, પંકજ માનજી પાટીદાર રે. સુરપુર રાજસ્થાન, સુરેશ જોગીડ રે. ગોકુલપુર રાજસ્થાન તથા મકાન માલિક દિનેશને ૫૩,૬૬૦ની સાધન સામગ્રી, વિદેશી દારૂની ખાલી બોટલ ૧૩૯૪, બેરલ-કેરબામા રહેલ રૂ. ૩.૬૪ લાખની કિંમતનો ૯૧૦ લીટર અંગ્રેજી દારૂ, કાર તથા મોબાઈલ મળી કુલ ૯.૩૪ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્ય સૂત્રધાર હસુ બુટલેગર છે અને તે ભાડલાના દારૂના ગુન્હામાં પણ વોન્ટેડ છે. હસુને રાજસ્થાનના પંકજ સાથે સંપર્ક થયા બાદ પંકજે પોતાની પાસે વિદેશી દારૂ બનાવવાની લાઈન હોવાનું કહેતા બન્નેએ ફેકટરી શરૂ કરવાનુ નક્કી કર્યુ હતુ અને આ માટે મુખ્ય સૂત્રધાર હસુએ રાજસ્થાનના પંકજ તથા સુરેશને એક પેટી દીઠ ૪૦૦૦ રૂ. આપવાનુ નક્કી કર્યુ હતુ. તેમજ મકાન માલિક દિનેશને પેટી દીઠ ૫૦ રૂ. આપવાનુ નક્કી કર્યુ હતુ. રાજસ્થાનના પંકજ અને સુરેશ નકલી દારૂ બનાવવાની સામગ્રી રાજસ્થાનથી સોમપીપળીયા ગામે લાવ્યા હતા અને ત્યાં સ્પીરીટમાં પાણી, કેમીકલ્સ અને ફલેવર મીકસ કરી નકલી દારૂ બનાવતા હતા ત્યારે જ રૂરલ ક્રાઈમ બ્રાંચનો કાફલો ત્રાટકયો હતો. જો આ નકલી દારૂ વેચાયો હોત તો લઠ્ઠાકાંડની ભીતિ હતી.

મુખ્ય સૂત્રધાર હસુ, મકાન માલિક દિનેશ અને રાજસ્થાનના પંકજ અને સુરેશે આર્થિકભીંસમાથી બહાર નિકળવા આ ગોરખધંધો શરૂ કર્યો હતો. પંકજ અગાઉ રાજસ્થાનમાં નકલી દારૂ બનાવવાના કેસમાં પણ પકડાઈ ચૂકયો છે.  પકડાયેલ મુખ્ય સૂત્રધાર હસુ સહિત ચારેયના કોવીડ ટેસ્ટ બાદ આજે રીમાન્ડ માટે કોર્ટમાં રજુ કરાનાર છે. વધુ તપાસ રૂરલ ક્રાઈમ બ્રાંચના પીઆઈ એ.આર. ગોહિલ ચલાવી રહ્યા છે.

(1:20 pm IST)