સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd February 2021

જુનાગઢમાં દિન દહાડે બંધ મકાનમાં રૂા. ર.૭૧ લાખની મતાની ચોરી

માત્ર ત્રણ જ કલાકમાં હાથફેરો કરી તસ્‍કરો ફરાર થઇ ગયા

જુનાગઢ, તા. રર :  જુનાગઢમાં દિન દહાડે તસ્‍કરો બંધ મકાનમાંથી રૂા. ર.ર૬ લાખની રોકડ સહિત રૂા. ર.૭૧ લાખની મતાની ચોરી કરીને નાસી જતા સનસનાટી મચી ગઇ હતી.

 જુનાગઢમાં કઠિયાવાડ વિસ્‍તારની આર્ય શેરીમા ગોવર્ધન એપાર્ટમેન્‍ટનાં ચોથા માળે રહેતા રાજ જગદીશભાઇ પીઠડીયા દરજીનાં બંધ મકાનમાં રવિવારે બપોરનાં ૧ થી ૩ નાં અરસામાં તસ્‍કરો ખાબકયા હતા.

રાજ પીઠડીયા તેના પિતા સાથે પોતાની મોબાઇલ રિચાર્જની દુકાન પર  હતા અને ઘરે કોઇ ન હતું ત્‍યારે બંધ મકાનમાં મુખ્‍ય દરવાજાનું તાળુ તોડી ઘરમાં પ્રવેશેલા તસ્‍કરો કબાટમાં રહેલ ચાવી વડે તિજોરી ખોલી તેમાંથી રૂા. ર.ર૬ લાખની રોકડ તેમજ સોનાની ત્રણ ચેન અને બુટી મળી કુલ રૂા. ર.૭૧ લાખની માલમતતાની ચોરી કરીને નાસી ગયા હતા.

આ અંગેની જાણ થતાં ડીવીઝનનાં પી.આઇ.આર.જી. ચૌધરી સ્‍ટાફ સાથે દોડી ગયા હતા.

પી.આઇ. શ્રી ચૌધરીએ સવારે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે ચોરીનો ભેદ ઉકેલવા માટે ડોગ સ્‍કવોડ અને ફિંગર પ્રિન્‍ટ નિષ્‍ણાંતની મદદ લઇ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જણાવ્‍યું હતું.

(1:16 pm IST)