સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd February 2021

વલસાડ ટ્રેનમાં આંગડિયા વિષ્‍ણુ કાંતિનું ૧૬ લાખનું પાર્સલ ચોરનાર અંજારમાં ઝડપાયો

માસ્‍ટર માઇન્‍ડ હરેશ ધામેચા વલસાડમાં રહી ટ્રેનમાં ટિફિન સર્વિસ ચલાવતો હતો, અન્‍ય બે જણા સાથે મળી ચોરીનો પ્‍લાન બનાવ્‍યો

 ભુજ,તા.૨૨ : ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ત્રણ વર્ષ પહેલાં વલસાડ સ્‍ટેશને આંગડિયા પેઢીના ૧૬ લાખના પાર્સલ ચોરીના ગુનામાં મુખ્‍ય માસ્‍ટર માઇન્‍ડ આરોપીની અંજાર માંથી ધરપકડ કરી છે. કચ્‍છ એક્‍સપ્રેસ ટ્રેનમાં આંગડિયા વિષ્‍ણુ કાંતિ ની પેઢીનું ૧૬ લાખ રૂપિયા સાથેનું પાર્સલ ચોરવા બદલ અંજારના દબડા રોડ ઉપરથી હરેશ ચંદુલાલ ધામેચાની પોલીસે ધરપકડ કરી તેની પાસેથી ૬૦ હજાર રોકડા અને એક મોબાઈલ જપ્ત કર્યો છે. પોલીસના જણાવ્‍યા પ્રમાણે વલસાડ માં રહી ટ્રેનના પ્રવાસીઓ માટે વાગડ ભોજનાલયના નામે ટિફિન સર્વિસ ચલાવતા હરેશ ધામેચા એ વલસાડમાં રહેતા મૂળ રાપર ના અલ્‍પેશ ગંગારામ ગામોટ અને જાવેદ આદમ ઘાંચીની મદદથી ટ્રેનમાં પ્રવાસ કરતા આંગડિયા પેઢીના પાર્સલ ચોરવાનો પ્‍લાન બનાવ્‍યો હતો. ધંધામાં નુકસાની જતાં આરોપીઓએ આ પ્‍લાન બનાવી પાર્સલ ચોરીને અંજામ આપ્‍યો હતો. જે પૈકી એક આરોપી પકડાયો છે, અન્‍ય બે ની તપાસ ચાલુ છે.

(11:46 am IST)