સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd May 2020

હોટલો ખોલવાની છુટ આપો, નહિ તો મોટો ઉદ્યોગ મૃતપાય થશેઃ સૌરાષ્ટ્ર-કચ્છ હોટલ ઓનર્સ એસો.

રાજકોટઃ તા.૨૨, લોકડાઉનના કારણે ગુજરાતની હોટલ ઉદ્યોગ ઠપ્પ થઇ ગયો છે. ત્યારે લોકડાઉનના ચોથા ચરણમાં જે રીતે અન્ય રોજગારોને છુટ આપી તે રીતે હોટલો શરૂ કરવાની છુટ આપવા સૌરાષ્ટ્ર કચ્છ હોટલ ઓનર્સ એસોસીએશન દ્વારા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને ઇ-મેઇલથી અને કલેકટરશ્રીના માધ્યમથી રજુઆત કરવામાં આવી છે. એસોના પ્રમુખ દિલીપ પટેલ, દશરથ વાળા, પ્રકાશ રાજપુરોહીત, શ્રેયસ વેગડ, નટુભાઇ, હિમાંશુ મહેતા સહિતનાએ રજુઆતમાં જણાવ્યુ છે કે જો હોટલો શરૂ નહિ થાય તો આ મોટો ઉદ્યોગ મૃતપાય થઇ જશે. છેલ્લા ઘણા સમયથી કરોડો રૂપિયાનું રોકાણ આ ઉદ્યોગમાં કરનારાઓને હપ્તા અને વ્યાજ ચડત થઇ ગયા છે. જો હજી હોટલ ઉદ્યોગ શરૂ ન થાય તો મોટી મુશ્કેલી સર્જાઇ શકે તેમ છે.

દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે પ્રવાસન ઉદ્યોગને વિકસાવવાની શરૂઆત કરેલ અને સાસણ,ગીર, કચ્છનું રણ, ધાર્મીક સ્થળો દ્વારકા, સોમનાથ, અંબાજી સહિતના સ્થળોને વધુ વિકસીત કરવા સ્ટાર પ્રચાર કે અમિતાભ બચ્ચ દ્વારા જાહેરાતો કરાવી હતી. પ્રવાસન સ્થળોના વિકાસ માટે જે તે સમયે કરોડો રૂપિયા ફાળવાયા હતા.

 એ સમયે ટુરીઝમ સ્થળોને વિકસાવવા સાથે હોટલોને પણ વિજળી-ટેકસમાં રાહતો અપાઇ હતી. અરે બહારથી આવનાર પ્રવાસી માટે દારૂબંધી પણ હળવી કરાઇ હતી.

ત્યારે વર્તમાન લોકડાઉન સ્થિતિમાં ઠપ્પ થઇ ગયેલ ઉદ્યોગને ફરી બેઠો કરવા તુરંત તેને શરૂ કરવાની મંજુરી શરતોને આધીન આપવા તેમજ ચડી ગયેલ ભાડા-વ્યાજ-હપ્તા-લાઇટ બીલોમાં રાહત આપવા હોટલ ઓનર્સ એસો.ના આગેવાનોએ માંગણી ઉઠાવી છે.

હોટલ ઉદ્યોગ સાથે અનેક લોકોની રોજીરોટી સંકળાયેલ હોય ગુજરાતમાં આગામી દિવસોમાં હોટલો, ખોલવાની પરવાનગી  આપવા એસો.ના ગજેન્દ્રસિંહ રાઠોડ, ભરત કોટક, અશોક ચૌહાણ, સોમીલ પટેલ, સતીષભાઇ, વિવેક પરમાર, જીતુભાઇ કોટેચા, વિમલ વેકરીયા, જગદીશ ચૌધરી, મનોજભાઇ રાજદેવ, શિવકુમાર, કેતન રાજપુરોહીત, નીલેશભાઇ કીર્તીભાઇ શાહ, પ્રવિણભાઇ વગેરેએ રજુઆત કરી છે.

(11:40 am IST)