સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th March 2020

કેશોદમાં સતત ચોથા દિવસે લોકો પરિવાર સાથે ઘરોમાં: સરકારી હોસ્પિટલમાં રૂટીન કેસો

કેશોદ, તા. રપ : શહેર રવિવારથી સંપૂર્ણપણે લોકડાઉન રહેતા બજારો સહિત શહેરના વિવિધ વિસ્તારોના રસ્તાઓ ભેંકાર ભાંસી રહ્યો છે અને પોલીસ પેટ્રોલીંગ ચાલુ છે.

સાંજે સતત ચોથા દિવસે પણ લોકો પરિવાર સાથે ઘરમાં જ રહેલ છે. અને હજુ વધુ આગામી ર૧ દિવસ પણ આ રીતે જ વિતાવાની માનસીક તૈયારી લોકોએ કરી લીધી હોઇ તેવું જણાઇ રહેલ છે.

છેલ્લા ગત ત્રણ દિવસથી અત્રે લોકડાઉનની સ્થિતિ જ જોવા મળેલ. મેડીકલ, શાકભાજી, દુધ, અનાજ-કરીયાણા જેવી જીવનજરૂરી આવશ્યક ચીજવસ્તુ સિવાય તમામ ધંધાઓ ઠપ્પ થઇ ગયેલ છે.

સરકારી હોસ્પિટલના ડો. ભીમાણીએ અકિલાને જણાવેલ કે, સામાન્ય રીતે પ૦ થી ૬૦ જેવા શરદી, ઉધરસ જેવા કેસો આવે છે જે રૂટીન મુજબના છે. બાકી અન્ય કોઇ ફરીયાદ જોવા મળેલ નથી.

ડો. ભીમાણીએ જણાવેલ કે કોરોના વાયરસ બચવા ઘરમાં જ રહેવું અતિ આવશ્યક છે. આવશ્યક ચીજવસ્તુઓ લેવાની જરૂર પડે તો પરિવારમાંથી માત્ર એકજ વ્યકિતએ ખરીદી માટે નિકળવું જોઇએ અને ઘરે આવ્યા બાદ સાબુથી હાથ-પગ ધોઇ લેવા અને શકય હોઇ તો નાહી લેવું તેમજ પહેરેલ કપડા પણ ગરમ પાણીથી ધોઇ બાદમાં તડકે સુકવી દેવા જરૂરી છે.

(1:13 pm IST)