સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th March 2020

પોરબંદર જિલ્લાના ગામડાઓમાં પાનના ગલ્લા ખુલ્લા કે પાંચથી વધુ લોકો એકઠા થયેલા હશે તો પોલીસ કડક કાર્યવાહી કરશેઃ કલેકટર ડી.એન.મોદી

પોરબંદર, તા.૨૫: કોરોના વાયરસને આગળ વધતો અટકાવવા રાજય સરકારે કલમ ૧૪૪ હેઠળ જાહેરનામુ અમલી બનાવી માત્ર આવશ્યક સેવા અને મેડીકલ સેવા સિવાયની તમામ સેવાઓ, દુકાનો બંધ રાખવા આદેશો જાહેર કર્યા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ તેની અમલવારી કરવાની રહે છે. પોરબંદર જિલ્લાના ગામડાઓમાં પણ દૂધ, શાકભાજી, અતિ આવશ્યક વસ્તુ સિવાયની તમામ દુકાનો ખાસ કરીને પાનના ગલ્લા બંધ રાખવા રહેશે અને અહીં પાંચથી વધુ લોકો એકઠા થયેલા હશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે. પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં લોકોને સરકારના આદેશનું પાલન કરવા અને આ મહામારી સામે સામુહીક લડાઇમાં સહભાગી બનવા અપિલ કરતાં જિલ્લા કલેકટર શ્રી ડી.એન.મોદીએ કાયદાનો ભંગ કરતા લોકોને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે હવે ડિસિપ્લિન નહીં જાળવવામાં આવે તો પોલીસને કડકમાં કડક કાર્યવાહી કરવાની ફરજ પડશે. પોરબંદર જિલ્લા તંત્રના, સરકારશ્રીના જરૂરી આદેશો અને નિયમો જાહેર હિતમાં સૌના સારા માટે છે.

કોરોના વાયરસને આગળ વધતો અટકાવવા માટે છે, માત્ર થોડા દિવસ આપણે સૌ આ નિયમોનું પાલન કરીશું તો ચોકકસ સારા પરિણામ મળશે તેવી આશા વ્યકત કરતાં કલેકટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે થોડા દિવસ આપણે દુકાનો બંધ રાખીશું અને ઘર બહાર ન નીકળીએ તો એટલું નુકશાન નહીં થાય જેટલુ વાયરસ પ્રસરી જવાથી થશે. આ ધ્યાન રાખવું તે સૌની સામાજિક જવાબદારી પણ છે.

કલેકટરશ્રીએ પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને જે તે વિસ્તારોમાં ગ્રામ્ય વિસ્તારના ફરજ પરના કર્મચારીઓ મારફત ગ્રામ્ય જનતાને પણ આદેશોનું પાલન કરવા જરૂરી જાગૃતિ લાવવા તેમજ પોલીસ વિભાગને આ અંગે પેટ્રોલીંગ કરવા અને જરૂર જણાય ત્યાં કડકમાં કડક કાર્યવાહી કરવા સુચના આપી છે.

(11:54 am IST)