સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th March 2020

ગાંધીધામમાં લગ્ન પ્રસંગે આવેલ વ્યક્તિનું મુંબઈમાં કોરોનાથી મોત થતાં કચ્છનું તંત્ર એલર્ટ

તેના સંપર્કમાં આવેલા ગાંધીધામના ૧૭ જણાને ક્વોરેન્ટાઈન કરાયા, મૂળ દુબઈના રહેવાસી ગાંધીધામમાં લગ્ન પ્રસંગે આવ્યા બાદ મુંબઈ ગયા હતા

ભુજ :કોરોનાને કારણે મુંબઈમાં થયેલ મોત દરમ્યાન તે મૃતક વ્યક્તિ ત્રણ દિવસ પહેલાં જ કચ્છ આવ્યો હોવાની જાણ થતાં કચ્છનું વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે. આ અંગે કચ્છ ના જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ 'અકિલા' સાથે ટેલિફોનિક વાત કરતાં જણાવ્યું હતું કે અંગેની જાણ મુંબઈની ઓથોરોટી દ્વારા કચ્છના વહીવટીતંત્રને કરાઈ હતી. તેને પગલે તકેદારીના પગલાં ભરવાના શરૂ કરાયા છે. મૃતક મૂળ દુબઇનો રહેવાસી હતો અને ગાંધીધામમાં લગ્ન પ્રસંગે હાજરી આપીને ૨૦ તારીખે મુંબઈ પહોંચ્યો ત્યારે તબિયત ખરાબ થતાં તેને મુંબઈમાં હોસ્પિટલાઈઝ કરાયો હતો. આ દર્દી કોરોનાને કારણે ૨૩ માર્ચના મૃત્યુ પામતાં મુંબઈ ઓથોરિટીએ કચ્છના વહીવટીતંત્રને જાણ કરી હતી. જોકે, ગાંધીધામમાં તેમના સંપર્કમાં ૧૭ જેટલા વ્યક્તિઓ આવ્યા હતા. આ તમામને કચ્છના આરોગ્યતંત્ર દ્વારા તેમના મેડિકલ ચેકઅપ ની કાર્યવાહી હાથ ધરીને આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ ઇન્સ્ટિટ્યૂટમાં  ક્વોરેન્ટાઈન કરાયા છે. કોરોના વાયરસ હવે માનવી દ્વારા માનવીને પ્રસરવાના તબક્કા માં હોઈ આ સંક્રમણ ટાળવા જ વિદેશ જઈ આવનારાઓને આરોગ્ય વિભાગને માહિતી આપવા અને ક્વોરેન્ટાઈન (અલગ) રહેવા તાકીદ કરાય છે.

(9:59 pm IST)