સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd December 2019

વાંકાનેરમાં હઝરત પીર સૈયદમોમીનશાહનો ઉર્ષ

વાંકાનેરઃ તાલુકા ચંદ્રપુર ગામે નેશનલ હાઇવે પર મહાન સુફી સંત અને મોમીન કોમના રાહબર હઝરત પીર સૈયદ મોમીનશાહ બાવાનો ઓગણીસમો ઉર્ષ મુબારક હજારો અનુયાયીઓની ઉપસ્થિતિમાં ઉજવાઇ ગયો. જેમા મોમીનશાહ બાવાના મોટા દિકરા, સજ્જાદાનશીન અને મોમીન કોમના , રાહબર, ગાદીપતિ અલ્હાજ હઝરત પીર સૈયદ વિઝારતહૂશેન બાવા સાહેબના માર્ગદર્શન હેઠળ ઉર્ષ મુબારકનુ આયોજન થયેલ. હઝરત પીર સૈયદ વિઝારતહુશેન બાવા સાહેબના દીકારા અને સજ્જાદાનશીન હઝરત અલ્હાજ કારી સૈયદ અલીનવાઝ બાવા સાહેબે ૧૬ વર્ષની નાની વયે શુક્રવારે ઇશાની નમાઝ બાદ શાનદાર તકરીર કરી હતી  જેમા તેઓએ મુસ્લિમ બિરાદરોને સાચી રાહ પર ચાલવાનો સંદેશો આપ્યો હતો. ઉર્ષ નિમિતે રવિવારે સવારે કુરઆન ખ્વાની, ત્યારબાદ ન્યાઝનો કાર્યક્રમ યોજાયો હતો. ઝોહરની નમાઝ બાદ બાવાના કુટુંબીજનોની હાજરીમા સંદલશરીફની પવિત્ર રશ્મ અદા કરવામા આવી હતી. ઉત્કૃષ્ટ કલાત્મક રંગબેરંગી કાચથી સુશોભિત દરગાહ તથા મારબલ જડિત ગ્રાઉન્ડના વિશાલ ફલકમાં મંડપ તથા લાઇટ ડેકોરેશનથી દરગાહ શરીફ સંકુલ રળયામણુ હતું. સજજાદાનશીન અને ગાદીપતિ એવા મોમીનશાહ બાવાના મોટા દીકરા અલ્હાજ હઝરત પીર સૈયદ વિઝારતહુશેન બાવા ખાનદાનમાં ચાલી આવતી રશ્મ મુજબ પીરાઇની ગાદીની શોભા વધારે છે. અને મોમીન સમાજના સાચા રાહબર તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. હઝરત પીર સૈયદ મોમીનશાહ બાવાની દરગાહ શરીફ તથા પ્રવચન આપતા અલીનવાઝબાવા તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ નિલેશ ચંદારાણા-વાંકાનેર)

(11:10 am IST)